મોરબીમાં નિરાધારોનો આધાર બનશે એલઈ કોલેજના છાત્રો

- text


નિરાધાર લોકો અને તેના બાળકોના જીવનમાંથી દિવાળીમાં નિરાશાનો અંધકાર દૂર કરી ખુશીઓનો ઉજાસ પ્રગટાવવા એલઈ કોલેજના છાત્રોએ પાંચ સ્થળે લોકો પાસે જુના કપડાં, રમકડાં, વાસણો સહિતની બિનજરૂરી વસ્તુઓ એકત્ર કરવાનું સેવાકાર્ય હાથ ધર્યું

મોરબી : દિવાળીના તહેવારનો મૂળ હેતુ જીવનમાંથી તમામ દુઃખ દર્દની નિરાશા દૂર કરી ખુશીઓ રૂપી ઉમંગનો ઉજાસ પ્રગટાવવાનો છે. મોટાભાગના લોકો દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરતા હોય છે. પણ ઘણાય એવા લોકો છે જેને બે ટંક ખાવાનાય સાંસા છે. ત્યારે આવા નિરાધાર અને ઝૂંપટપટ્ટીના લોકો અને તેના બાળકો માટે દિવાળીમાં નવા કપડાં, ફટાકડા અને મીઠાઈ લઈને દિવાળી ઉજવવી એક એક દિવાસ્વપ્નથી કમ નથી. ત્યારે આવા લોકોની વ્હારે મોરબીના એલઈ કોલેજના છાત્રો આવ્યા છે અને નિરાધારો પણ દિવાળી ધામધૂમથી ઉજવી શકે તે માટે આ છાત્રોએ તેમનો આધાર બનીને સેવાકાર્ય હાથ ધર્યું છે.

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજનું પટેલ સોશ્યલ ગ્રુપના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સારી રીતે ઇજનેરી શિક્ષણ મેળવવાની સાથે સમાજના જરૂરિયાતમંદો માટે અલગ અલગ સેવાપ્રવૃત્તિ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે. ખાસ કરીને આ પટેલ સોશ્યલ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના સમયે અનાધારનો આધાર નામનું સેવાકીય કાર્ય ચલાવે છે. આ વખતે પણ દિવાળી નજીક આવતા એલઇ કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપના વિધાર્થીઓએ શહેરમાં ફરી અનાધારનો આધાર નામનું સેવાકીય કાર્ય શરૂ કર્યું છે. જેમાં તા.10 થી 17 ઓક્ટોબર સુધી પટેલ સોશ્યલ ગ્રુપના વિધાર્થીઓએ શહેરના બાપા સીતારામ ચોક-રવાપર રોડ, રામેશ્વર મંદિર ગુ.હા બોર્ડ સાંમાકાંઠે-મોરબી-૨, સુપર માર્કેટ- નવા બસ સ્ટેન્ડ, સત્યેશ્વર મહાદેવ મંદિર સામે-ઉમિયા સર્કલ અને મહાબલી હનુમાનજી સામે-રવાપર રોડ એમ આ પાંચ સ્થળે સ્ટોલ નાખી લોકો પાસેથી જુના પણ સારા પહેરવા લાયક કપડાં, જુના પણ રમવા લાયક રમકડાં, પુસ્તકો સહિતની બિનજરૂરી તમામ વસ્તુઓ એકત્ર કરવામાં આવશે.

- text

પટેલ સોશ્યલ ગ્રુપના છાત્રો ઋત્વિક ઝાલાવડીયા, ઉત્તમ સેખલીયા, રાજન ઉસડડિયા અને બ્રિજેશ રૂડાણીએ જણાવ્યું હતું કે દિવાળી જેવું મહાપર્વ ફક્ત ફેમેલી, મિત્રો કે સગા સ્નેહીઓ સાથે ઉજવાનું પર્વ નથી. દિવાળીનો અર્થ જ અંધકાર દૂર કરી ઉજાસ ફેલાવાનો છે.એટલે આપણે જીવતા જીવનમાં ઘણા દુઃખો હોય તે દૂર કરીને નવા ઉમગ સાથે સારા જીવનની આશાનો દીપ પ્રગટાવાનો હોય છે. જો કે દરેક લોકો દિવાળીની આ રીતે ઉજવણી કરી શકતા નથી, શહેરની ઝૂંપટપટ્ટી અને ફુટપાથ ઉપર વસવાટ કરતા લોકો આ ખુશીઓમાં સહભાગી થઈ શકતા નથી. તેથી આવા લોકો પણ દિવાળી ઉજવી શકે તે માટે ખુશીયા બાટને સે બઢતી હૈ ની કહેવતને સાર્થક કરવાનો સમય પાકી ગયો છે. તમારા ઘરમાં જે તમારા માટે બિનજરૂરી ચીજ હોય પણ એનો ઉપયોગ થઈ શકે એમ હોય અને એ વસ્તુઓ બીજાને કામ આવી શકે એમ હોવાથી આવી કપડાં, રમકડાં, સહિતની ઘણી બધી ચીજવસ્તુઓને ઉપરોક્ત સ્ટોલમાં લોકોને જમા કરી જવા અપીલ કરી છે.

- text