માળીયામાં ભેંસ ચરાવવા મામલે બેવડી હત્યા

- text


કોબા વાંઢ વિસ્તારમાં કૌટુંબિક સગાએ માતા પુત્રને રહેંસી નાખ્યા, આરોપી હાથવેંતમાં 

મોરબી : માળીયા મિયાણાના કોબા વાંઢ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ભેંસ ચરાવવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા મામલો ડબલ મર્ડર સુધી પહોંચી જતા ભારે ચકચાર મચી ગઇ હતી. જેમાં બન્ને પરિવાર વચ્ચે હિસંક અથડામણ થતા એક પરિવારના માતા પુત્રની લોથ ઢળી ગઈ હતી. માતા-પુત્રની હત્યાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને એક આરોપી હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

માળીયામાં થયેલ બેવડી હત્યા અંગે પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ કોબા વાંઢ વિસ્તારમાં આજે શેઢે ભેંસ ચરાવવા બાબતે બે પરિવાર વચ્ચે ડખ્ખો થયા બાદ મામલો ઉગ્ર બનતા બન્ને પરિવાર વચ્ચે હથિયારો સાથે બઘડાટી બોલી ગઈ હતી. આ સશસ્ત્ર મારામારીમાં ગંભીર ઇજા થતાં ઝરીનાબેન ઈશુભાઈ મોવર (ઉ.વ.45) અને તેમના પુત્ર હબીબભાઈ ઈશાભાઈ મોવર (ઉ.વ.22 બને રહે કોબા વાંઢ માળીયા)ને ગંભીર ઇજા થતાં બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બાદમાં બન્નેની લાશને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

- text

આ ડબલ મર્ડરના બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૃતકનો કૌટુંબિક ભત્રીજો શાહરુખ મોવર સહિતનાંએ હથિયાર વડે હુમલો કરતા માતા પુત્રની હત્યા થઈ હોવાનું તારણ છે. આ બનાવને પગલે માળીયા પોલીસ સઘન તપાસ ચાલવીને હાલ એક આરોપીને સંકજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text