તારે શાકભાજી લેવા આવવું નહિ કહી હળવદના ઇસનપુરમાં યુવાનને જાતિ પ્રત્યે હડધૂત કરાયો

- text


સાત વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના ઇસનપુર ગામે શાકભાજી લેવા ગયેલા યુવાનને તારે અહીં શાકભાજી લેવા આવવું નહિ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરાતા હળવદ પોલીસ મથકમાં સાત ઈસમો વિરુદ્ધ એટ્રોસીટી એકટ અન્વયે ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા ગીરીશભાઈ નાગરભાઈ પરમાર શાકભાજી ખરીદવા ગયા ત્યારે આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળીએ તારે અહીં શાકભાજી લેવા આવવું નહીં તારા ઘર પાસે જ ખરીદી લેવું કહેતા ફરિયાદી ગિરીશભાઈએ શા માટે ન આવું એમ કહેતા આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળીએ તું અહીં ઉભોરે હમણાં આવું કહી ઘરેથી લોખંડનો પાઇપ લઇ આવી જાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યો હતો.

- text

આ ઉપરાંત આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળીની સાથે સાથે વિપુલભાઈ મનસુખભાઇ કોળી, જેરામભાઈ છગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની, રાધાબેન મનસુખભાઇ કોળી અને મયુરીબેન મનસુખભાઇ કોળીએ એકસંપ કરી ઢીકા પાટુનો મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડતા ગીરીશભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે હળવદ પોલીસે ગીરીશભાઈની ફરિયાદને આધારે સાતેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી અધિનિયમ સને-૨૦૧૫ ના સુધારાની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text