રેસિપી અપડેટ : ઘરે બનાવો ગાર્લિક નાન, ખાવાની મજા પડી જશે

- text


મોરબી : આપણે જ્યારે પણ પંજાબી સબ્જી ખાવા જઈએ ત્યારે સાથે નાન પણ મંગાવતા હોઈએ છીએ. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અનોખી ટેસ્ટી ગાર્લિક નાનની રેસિપી. ગાર્લિક નાન પંજાબી સબ્જી સાથે ખાવાની મજા આવે છે. ગાર્લિક નાન તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ નાન ઘરે બનાવવી ખૂબ સરળ છે. ગાર્લિક નાન બનાવવા માટે તમારે ઓવનની પણ જરૂર નહિં પડે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ગાર્લિક નાન..


સામગ્રીઃ

3 કપ મેંદાનો લોટ, 1 ચમચી ખાવાનો સોડા, મીઠું, 2 ચમચી ખાંડ, 1 કપ દહીં, ગરમ પાણી, 3 ચમચી તેલ, એકદમ ઝીણું સમારેલું લસણ, માખણ, ઝીણી સમારેલી કોથમીર

- text


બનાવવાની રીત

ગાર્લિક નાન બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં મેંદાનો લોટ લો.
ત્યારબાદ આ લોટમાં મીઠું અને ખાંડ નાંખીને બરાબર મિક્સ કરી લો.
પછી આ લોટમાં દહીં નાંખો.
દહીં નાંખ્યા પછી લોટમાં સોડા નાંખો અને 5 મિનિટ સુધી એમ જ રહેવા દો.
ત્યારબાદ આ લોટમાં તેલનું મોણ નાંખો.
હવે ગરમ પાણીથી આ લોટ બાંધી લો. ગરમ પાણીથી લોટ બાંધવાથી કણક સોફ્ટ રહે છે અને નાન પણ સોફ્ટ થાય છે.
આ પ્રોસેસ થઇ જાય પછી બાઉલને તેલથી ગ્રીસ કરી લો અને લોટને એમાં 10 થી 15 મિનિટ માટે રહેવા દો.
આ લોટ તમારે એકદમ ઢાંકીને મુકી રાખવાનો છે, જેથી કરીને આથો સારો આવે.
10 થી 15 મિનિટ રહીને ઢાંકણ ખોલો અને પછી લોટમાંથી ગુલ્લા કરીને લાંબા રોલ કરી લો.
કટ કરેલા રોલ પર ઝીણું સમારેલું લસણ અને કોથમીર નાંખો.
આ વસ્તુ એડ કર્યા પછી લસણ અને કોથમીરને આંગળીની મદદથી પ્રેસ કરો.
હવે એક કઢાઇ લો અને એને ગરમ કરવા માટે મુકો.
કઢાઇ ગરમ થઇ જાય લાંબા આકારમાં નાન વણો અને પછી કઢાઇના ઢાંકણમાં ચોંટાડો.
ત્યારબાદ આ નાનને ધીમા ગેસે થવા દો અને પછી ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે થવા દો.
નાન ગેસ પર રાખવાથી બબલ થશે. બબલ થાય એટલે સમજી લો કે તમારી નાન તૈયાર થઇ ગઇ છે.
હળવા હાથે પ્લેટમાં લઇ લો અને પછી બટર લગાવી લો.
તો તૈયાર છે ગાર્લિક નાન.


- text