લાલપર પાવરહાઉસ પાસે લૂંટારુંઓએ મચાવ્યો આતંક : ગળે ચાકુ રાખી 4 લોકોને લૂંટયા

- text


 

બાઇક સવાર બે શખ્સોએ ખુલ્લેઆમ લૂંટને અંજામ આપ્યો, જે સામા મળ્યા તેના ખિસ્સા ખાલી કરાવ્યા : એક ટ્રક ચાલકને છરી મારી દીધાની પણ ચર્ચા

મોરબી : મોરબી નજીક સિરામિક ઝોનમાં સૂમસામ રસ્તાઓ પર મજૂરોને લૂંટી લેવાની નાની મોટી ઘટના હમણાંથી વધી છે. જેમાં આજે તો લૂંટારુંઓએ રીતસરનો આતંક મચાવ્યો હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. બે શખ્સોની ટોળકીએ લાલપર પાવરહાઉસ નજીક અંદાજે 4 લોકોને ગળે ચાકુ રાખીને લૂંટયા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. જોકે આ ઘટનાની હજુ પોલીસમાં કોઈ નોંધ થઈ નથી

આ અંગે જાંબુડિયા ખાતે ફેકટરી ધરાવતા પ્રયાગભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે લાલબાગ પાવર હાઉસથી મકનસર વચ્ચે આજે રાત્રે બાઇક સવાર બે શખ્સોએ લૂંટ ચલાવતા હતા. તેઓએ આ રોડ ઉપર અંદાજે 4 લોકોને લૂંટયા છે. આ બન્ને શખ્સો ગળે ચાકુ રાખીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવતા હતા.

આ લૂંટના બનાવમાં તેઓના ફેકટરીમાં કામ કરતો કર્મચારી પણ ભોગ બન્યો છે. તે બાઇક ઉપર જતો હતો તે વેળાએ લૂંટારુંઓએ તેમને ઉભો રાખીને ગળા ઉપર છરી રાખીને મોબાઈલ અને પાકીટ આપી દેવા કહ્યું હતું. જેથી કર્મચારીએ પોતાનો મોબાઈલ અને રૂ. 2 હજાર ભરેલું પાકીટ તેને આપી દીધું હતું.

- text

તેઓએ વધુમાં જણાવ્યું કે અંદાજે 4 લોકો આ લૂંટનો ભોગ બન્યા છે. એક ટ્રક ચાલકને પણ લૂંટી લેવામાં આવ્યો હતો. જો કે આ ટ્રક ચાલકને છરી વાગી ગઈ હતી. અંતમાં તેઓએ જણાવ્યું કે આ મામલે તેઓએ તાલુકા પોલીસને જાણ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના સિરામિક ઝોનમાં રાત્રીના સૂમસામ રસ્તાઓ પર હમણાંથી આવા લુખ્ખાઓ ભારે આતંક મચાવી રહ્યા. જેમાં ખાસ કરીને પરપ્રાંતીય અને એકલ દોકલ જતા વ્યક્તિઓને આ ટોળકી છરીને અણીએ લૂંટ ચલાવે છે. અને આ લૂંટમાં નાની નાની રકમ હોવાથી અને ભોગબનાનાર સામાન્ય મજૂર વ્યક્તિ હોવાથી તે પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે અથવા તો પોલીસ પણ ફરિયાદ લખવાનું ટાળે છે. જેથી આવા લુખ્ખાતત્વોની હિંમત વધે છે. ત્યારે પોલીસ આવી ઘટનામાં કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

- text