લમ્પી વાયરસને કારણે મોરબી જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં દૈનિક 15 હજાર લિટરનું ગાબડું

- text


સતત વરસતા વરસાદની સાથે લમ્પી વાયરસે કહેર વર્તાવતા દૂધ ઉત્પાદકો ચિંતીતી : મયુર ડેરી દ્વારા લમ્પી વાયરસ રસીકરણ માટે 10 હજાર ડોઝ ફાળવ્યા

મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી રહેલા લમ્પી વાયરસે મોરબી જિલ્લામાં માથું ઉંચકતા જિલ્લામાં દૈનિક દૂધ ઉત્પાદનમાં 15 હજાર લિટરનું ગાબડું પડ્યું હોવાની સત્તાવાર વિગતો બહાર આવી છે.

છેલ્લા એક મહિનાથી મોરબી જિલ્લામાં લમ્પી વાયરસ તરખાટ મચાવી રહ્યો હોવાથી અનેક ગૌવંશ આ લમ્પી વાયરસનો શિકાર બન્યા છે. બીજી તરફ સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પણ વરસી રહ્યો હોય વરસાદ અને લમ્પી વાયરસના બેવડા મારથી મોરબી જિલ્લામાં દૂધ ઉત્પાદન ઘટી ગયું છે.

- text

મોરબીની મયુર ડેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ લમ્પી વાયરસ અને ચોમાસાના વાતાવરણમાં હાલમાં ડેરીની દૂધની આવકમાં 15 હજાર લીટર જેટલો ઘટાડો નોંધાયો છે. અગાઉ મયુર ડેરીમાં દૈનિક 75 હજાર લીટર દૂધની આવક હતી જેની સામે હાલમાં 60 હજાર લીટર જેટલું જ દૂધ આવી રહ્યું છે. દૂધ ઉત્પાદન ઘટતા પશુપાલકો પણ ચિંતિત બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ગૌવંશમાં લમ્પી વાયરસના આક્રમણ સામે સરકારના પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસ સામે રક્ષણ આપતી રસી મુકવામાં આવી રહી છે ત્યારે મોરબીની મયુર ડેરી દ્વારા પણ દૂધ ઉત્પાદકોના હિતમાં અત્યાર સુધીમાં 10 હજાર ડોઝ વિનામૂલ્યે પશુઓને મૂકી આપ્યા છે અને વધુ 30 હજાર રસીના ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું ડેરીના સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું હતું.

- text