કેદારિયામાં કજીયો ! સરપંચનો પરિવાર ગ્રામજનો પર હથિયાર લઈ તુટી પડ્યો

- text


 

માથા ફરેલા અભિમાની સરપંચે કાયદો હાથમાં લીધો : ચાર પુરુષ સહિત બે મહિલાને પણ માર માર્યો

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામે ચૂંટણીમાં વિજેતા બનેલ માથાફરેલ સરપંચ અને તેના પરિવારજનોએ વગર કારણે બે મહિલા સહિત છ વ્યક્તિઓ ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે પૈકી ત્રણની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે સરપંચ સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ કેદારીયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ સરપંચ તરીકે વિજેતા થયેલ સરપંચ ગામમાં અવારનવાર સીન સપાટા કરી લોકોને હેરાન પરેશાન કરતા હોવાની વ્યાપક રાવ ઉઠી છે તેવામાં આજે બાઈકમાં સાઇલેન્સર બદલાવી નાખજો એવું કહી ગામમાં જ રહેતા કેતનભાઇ ભરતભાઈ પોરડિયા, કાંતિભાઈ અમરાભાઇ પોરડીયા, પ્રવીણભાઈ સોમાભાઈ પોરડીયા, રમીલાબેન કાંતિભાઈ પોરડીયા, ધનાભાઈ દેવાભાઈ પોરડીયા અને હીનાબેન રામજીભાઈ પોરડિયા ઉપર સરપંચ સહિત 10થી વધુ લોકોએ હુમલો કર્યો હતો.

જેથી સરપંચ અને તેના મળતીયાઓના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જેમાં કાંતિભાઈ અમરાભાઇ પોરડિયા, પ્રવીણભાઈ સોમાભાઈ પોરડીયા અને કેતનભાઇ ભરતભાઈ પોરડીયાને ગંભીર ઈજા પહોંચતા તેઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

બીજી તરફ હાલમાં કેદારીયા ગામે બનેલા બનાવથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે સાથે જ હાલ સરપંચ સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text