મોરબી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

- text


કલેકટર જે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ મોરબી સજ્જ

૫ જુલાઇ થી ૧૯ જુલાઇ સુધી રથના કાર્યક્રમો દરમિયાન લોકોને વિવિધ જન સેવા મળી રહે તેવું આયોજન કરાયું

મોરબી : આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી પાંચમી જુલાઇથી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે રૂટ નક્કી કરીને વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન ઘડવામાં આવ્યું છે. જેની તૈયારીઓ અંગેની બેઠક મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની વિશેષ ઉપસ્થિતિમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

સમગ્ર યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મોરબી જિલ્લાનું તંત્ર કામ કરી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા સાચા અર્થમાં જનસેવાનો સેવાયજ્ઞ બની રહે તે માટે ટીમ વર્કથી કામ કરવા માટે જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા વિવિધ કચેરીઓના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવે પણ ગ્રામ્ય વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન પંચાયત હેઠળની વિવિધ જનસેવા, આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગોના લાભો સ્થળ પર મળી રહે અને જનજાગૃતિ ફેલાય તેવા હેતુને પાર પાડવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી નિદર્શન તેમજ ફિલ્મ નિદર્શન તેમજ કાર્યક્રમના સ્થળે લાભાર્થીઓને વિવિધ લાભો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો નું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું અધિક કલેકટર એન.કે. મુછારે જણાવ્યું હતું.

- text

મોરબી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત બે રથની ફાળવણી કરવામાં આવી છે. જે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ ક્લસ્ટરમાં રોજ બે ગામોમાં કલ્યાણકારી યોજનાઓની માહિતી આપશે.

જિલ્લા કક્ષાએથી રથનું પ્રસ્થાન તા.૫ જુલાઇના રોજ કરવામાં આવશે. જુદા જુદા બે ગામોમાં રોજ સવારે અને સાંજે વિકાસ લક્ષી કાર્યક્રમ યોજાશે. તા. ૧૯ જુલાઈ સુધી આ કાર્યક્રમો યોજાશે. આંગણવાડીઓમાં વાનગી પ્રદર્શન અને માતૃશક્તિ યોજનાના લાભો અપાશે. સવારે પ્રભાત ફેરી, વૃક્ષારોપણ તેમજ શાળા-આંગણવાડીઓમાં પણ ચિત્ર નિબંધ સ્પર્ધા, ગામમાં સફાઈ અભિયાન ઉપરાંત આરોગ્ય તપાસણી અને આરોગ્યની કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળે તે માટે ઝુંબેશ હાથ ધરાશે.

આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ટીડીઓઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text