મોરબીનો ટાઇલ્સ ઉધોગ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે : નરેન્દ્ર મોદી

- text


આટકોટ ખાતે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મોદીએ ગુજરાતના અદ્યોગિક વિકાસની વાતો દરમિયાન મોરબીના ટાઇલ્સ ઉધોગને યાદ કર્યો

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સમાજ સંચાલિત શ્રી કે.ડી.પરવાડીયા નવ નિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ તકે મોદીએ પોતાના વક્તવ્યમાં ગુજરાતના વિકાસની રૂપરેખા રજુ કરતી સમયે એમએસએમઇ ઉધોગના વિકાસના સંદર્ભે મોરબીના સીરામીક ઉધોગને ખાસ યાદ કર્યો હતો.

આટકોટ ખાતે નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. જેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટિલ અને કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ,ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપરાંત હોસ્પિટલના ટ્રસ્ટીઓ આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા હતા.લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી

પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આ હોસ્પિટલની તમામ વિગતો સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભરત બોઘરાએ વડાપ્રધાન મોદી સમક્ષ રજુ કરી હતી. વડાપ્રધાન આ હોસ્પિટલના નિર્માણમાં સહભાગી થનાર દાતાઓ તથા ટ્રસ્ટ્રીઓના પરિજનોને પણ મળ્યા હતા. આ હોસ્પિટલ કાર્યરત થવાથી જસદણ, વિછીયા, બોટાદ સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકોને સારવાર મેળવવા માટે રાજકોટ, અમદાવાદ જેવા મેટ્રોસીટીમાં જવુ નહિ પડે, તેઓને ઘરાઅંગણે જ આ હોસ્પિટલ થકી ઉત્તમ સારવાર મળી રહેશે

- text

૨૦૦ બેડની આ નવનિર્મિત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડીયાટ્રીક, સ્કીન અને ડેન્ટલ ઉપરાંતના કાર્ડીયોલોજી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ગ્રેસ્ટ્રોલોજી અને કેન્સર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

આટકોટ ખાતે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મોદીએ ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં વક્તવ્ય આપ્યું હતું. મોદીએ ગુજરાતના અદ્યોગિક વિકાસની વાતો દરમિયાન મોરબીના ટાઇલ્સ ઉધોગને યાદ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતના દરેક ખૂણે નાના મોટા ઉદ્યોગ ધમધમી રહયા છે. તેમાં પણ MSME એટલે કે મીડિયમ અને સ્મોલ સ્કેલની શ્રેણીમાં આવતા ઉધોગોનો ગુજરાતના વિકાસમાં સિંહફાળો હોવાનું જણાવી. મોરબીના વિશ્વ વિખ્યાત સીરામીક ઉધોગને યાદ કરી જણાવ્યું હતું કે આજે મોરબીનો ટાઇલ્સ ઉધોગ ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે. જે આપણા માટે ગૌરવની વાત છે. મોદીએ મોરબીના સીરામીક ઉધોગની સાથે રાજકોટના એન્જિનિયરિંગ અને જામનગરના બ્રાસપાર્ટ ઉધોગને પણ પોતાની આગવી શૈલીમાં યાદ કર્યા હતા.

નરેન્દ્ર મોદી દ્વારા પોતાના વકત્વમાં મોરબીના આપબળે આગળ આવેલા સીરામીક ઉધોગની પ્રગતિને બિરદાવી હતી. તે બાબતની સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ હતી. તેની સાથે જ હાલમાં ગુજરાત સરકારની જ ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં કરેલા ભાવ વધારાના કારણે આ ઉધોગ હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે મોદીએ આ બાબતે યોગ્ય પગલાં ભરવા અને ગેસના ભાવ ઘટાડવાની માગ બાબતનો મુદ્દે પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ હતી.

- text