કેમ ભણશે ગુજરાત ? મે મહિનો વીતવા છતાં પુસ્તકો છપાયા નથી

- text


મોરબી જિલ્લામાં એક લાખ બાળકોને નવા સત્રમાં અધૂરા પુસ્તકો સાથે ભણવા જવું પડે તેવી સ્થિતિ

જૂન માસમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે પુસ્તકો ઉપલબ્ધ કરાવવા રાજ્યના શિક્ષણમંત્રીને ફરિયાદ રૂપી રજુઆત

મોરબી : સામાન્ય રીતે જૂન માસમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે એપ્રિલ કે મે મહિનામાં પાઠ્ય પુસ્તકો બજારમાં ઉપલબ્ધ બનતા હોય છે પરંતુ આ વર્ષે હજુ ધોરણ 1થી 10ના પુસ્તકોના ઠેકાણા ન હોય રાજ્યના સ્ટેશનરી એસોસિએશન દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી તાકીદે પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવી છે. આ સાથે જ ખાનગી પ્રકાશકોએ પુસ્તક અને અન્ય સ્ટેશનરીના ભાવમાં 15થી 20 ટકા ભાવ વધારો ઝીકતા ભણતર મોંઘુદાટ બન્યું છે.

રાજ્યના સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુશન એસોસિએશન દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરતા જણાવાયું છે કે, નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં છે અને વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોની ખરીદી કરવા માટે બજારમાં નીકળે છે, પરંતુ ગુજરાતના કોઈપણ પાઠ્ય પુસ્તકોના વિક્રેતા પાસે પાઠય પુસ્તકોનો સ્ટોક જ નથી. અને વિધાર્થીઓને ખાલી હાથે નિરાશ થઈને પરત જવું પડે છે.

સામાન્ય સંજોગોમાં પાઠય પુસ્તક વિક્રેતા એપ્રિલ માસમાં પાઠ્ય પુસ્તકોની ખરીદી કરી લેતા હોય છે પરંતુ આ વર્ષે એપ્રિલ તથા મે મહિના સુધી પણ પાઠય પુસ્તક મંડળ પાસે પાઠય પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ ન હોય બજારમાં પાઠય પુસ્તકો આવેલ નથી. પાઠય પુસ્તક મંડળ પાસે જે આઠ થી દશ વિષયના પાઠય પુસ્તકોનો સ્ટોક છે એ પણ ખુબ જ નજીવો છે અને વિતરકોને માત્ર તેમની જરૂરતના 10 ટકા માલ આપે છે.

- text

મોરબીની સ્થિતિ અંગે અગ્રણી પાઠ્ય પુસ્તક વિક્રેતા તરંગભાઈ ભોજાણીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 1 થી 10માં મોરબી જિલ્લાના અંદાજે 1 લાખ જેટલા બાળકો અભ્યાસ કરે છે. ધોરણ 1થી 10માં કુલ મળી 43 જેટલા પુસ્તકો આવે છે પરંતુ હાલમાં માત્ર 10 કે 12 જેટલા જ ટાઈટલો ઉપલબ્ધ છે.કાગળના અભાવે પાઠ્ય પુસ્તક મંડળ પાસે જ સ્ટોક ઉપલબ્ધ ન હતો જો કે હાલમાં પુસ્તકનું છાપકામ જોરશોરથી ચાલી રહ્યું હોય ટૂંક સમયમાં પુસ્તકો ઉપલબ્ધ બનશે તેવો આશાવાદ તેમને વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ સ્ટેશનરી એસોસિએશનના ગુજરાત પ્રમુખ અતુલભાઈ દક્ષિણીએ રજૂઆતના અંતે જણાવ્યું છે કે હાલમાં ગ્લોબલ લેવલે કાગળની અછત છે અને ભયંકર ભાવ વધારો છે પરંતુ અમને એ પણ જાણમાં છે કે ગુજરાતની આર્થિક પરિસ્થિતી શ્રીલંકા જેવી નથી કે ગુજરાતનું ભવિષ્ય કહી શકાય તેવા વિધાર્થીઓ માટે ગુજરાત સરકાર પાઠય પુસ્તકો પણ સમયસર ઉપલબ્ધ ન કરાવી શકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહેતા હતાં કે “ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત” પરંતુ હાલના સંજોગોમાં તો એવું લાગી રહયું છે કે પાઠય પુસ્તક વગર કઈ રીતે ભણશે ગુજરાત ? આ સંજોગોમાં થોડું અંગત ધ્યાન આપી તારીખ 1 જુન 2022 સુધીમાં દરેક ધોરણના અને દરેક વિષયના પાઠય પુસ્તકો પ્રિન્ટ કરાવી બજારમાં ઉપલબ્ધ કરાવી આપવા માંગ ઉઠાવવામાં આવી છે.

- text