એ… રોદો આવ્યો… વાંકાનેર- થાન વચ્ચે મણકા તોડ માર્ગથી વાહન ચાલકો પરેશાન

- text


વાંકાનેરથી થાન પહોંચવામાં બે કલાકથી વધુ લાગતો સમય : રોડ નવો બનાવાને બદલે માત્ર થિંગડાના જ કરાતા થુંકના સાંધા, ઉધોગકારો અને વેપારીઓને ભારે હાલાકી

મોરબી : એ … રોદો આવ્યો… વાંકાનેરથી થાન જવા માટેનો ધમલપર ચોકડી સુધીનો પાંચ કિમીનો માર્ગ એટલી હદે બદતર બની ગયો છે કે, આ માર્ગ ઉપર પસાર થવા માટે સતત જીવનું જોખમ ઝળુંબતું રહે છે. વાંકાનેરથી થાન જવા માટે કાયદેસર રીતે સવા કલાકનું અંતર હોય પણ માર્ગ એકદમ ખખડધજ હોવાથી બે કલાકથી વધુ સમય લાગે છે. જો કે, રોડ નવો બનાવાને બદલે માત્ર થિંગડાના જ થુંકના સાંધા કરાતા હોવાથી દૈનિક ધંધાર્થે અપડાઉન કરતા ઉધોગકારો અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

મોરબી-વાંકાનેર અને થાન વચ્ચે આર્થિક, સામાજિક, ધંધાકીય જોડાણ હોવાથી આ ત્રણેય શહેર વચ્ચે દરરોજ હજારો લોકો અપડાઉન કરે છે. તેમાંય મોરબી વસતા ઘણા વેપારીઓ તેમજ ઉદ્યોગકારો દરરોજ ધંધા અર્થે વાંકાનેર થઈને થાનમાં અપડાઉન કરે છે. પણ વાંકાનેરથી થાન વચ્ચેનો માર્ગ એકદમ ખખડધજ છે. ઉદ્યોગકારો અને વેપારીઓએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, વકાનેરની થાન જવા માટેનો ધમલપર ચોકડી સુધીનો પાંચ કિમીનો માર્ગ એકદમ ખરાબ છે.

જો કે વાંકાનેરથી થાન વચ્ચેનો માર્ગ તો ખરાબ છે. પણ ધમલપર ચોકડી સુધીનો માર્ગ સૌથી વધુ ખરાબ છે. તેનાથી આગળ ક્યાંય ક્યાંક સારો માર્ગ છે. પણ ધમલપર ચોકડી સુધીનો માર્ગ એકદમ બિસ્માર હોવાથી લોકોને જાન હથેળી પર લઈને નીકળવું પડે તેવી કપરી હાલત છે.

વધુમાં, વાંકાનેરથી થાન જવા માટેનો રસ્તો ઘણા વર્ષોથી નવો બનાવ્યો જ નથી. ખરાબ માર્ગ ઉપર તંત્ર છેલ્લા સાત વર્ષથી માત્ર થિંગડા જ મારે છે. માર્ગ ઉપર ગાબડા વધુ હોય તેમજ વાંકાનેરથી થાન વચ્ચે ઉધોગો વધુ વિકસેલા હોવાથી મોટા મોટા ટ્રક-કન્ટેનર જેવા માલ સામાન ભરેલા વાહનો તેમજ ફોર વ્હીલરો ચાલવાથી આવા થુંકના સાંધા જાજો સમય ટકતા જ નથી. મોરબીથી વાંકાનેર થઈ થાન જવા માટે લોર્ડિંગ અને રો મટીરીયલ ભરેલા અનેક વાહનો આ માર્ગ ઉપર અવરજવર કરે છે.

- text

વાંકાનેરથી થાન જવા માટેનો લુણસર થઈને અને દલડી થઈને જવાતો માર્ગ પણ વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ બન્ને માર્ગો ટોટલી ખરાબ થઈ ગયા હોવા છતાં જવાબદાર તંત્ર જરાય ધ્યાન આપતું નથી. કાયદેસર રીતે વાંકાનેરથી થાન જવા માટેનું સવા કલાકનું અંતર છે. પણ માર્ગ ખરાબ હોવાથી બે થી વધુ કલાક લાગે છે. ઉપરથી લોકોને રોદા સહન કરી કરી મણકાના દુખાવા થઈ જાય તેવી સ્થિતિ હોય સલામતીની કોઈ ગેરટી નથી. જો કે અહીંના ઉદ્યોગોમાં માલની હેરફેર માટે તગડા ભાડાં ચૂકવતા હોવા છતાં આ માર્ગ ઉપર જીવનું જોખમ હોવાથી લોડીગ વાહનો આવવા તૈયાર જ થતા નથી. જો કે માર્ગ નવો બનાવાની તાતી જરૂરિયાત છે. એની સામે માત્ર થિંગડા મારવાથી ગાડું ગબળવાતું હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી આ માર્ગ વહેલાસર બનાવવામાં આવે તેવી વેપારીઓ અને ઉદ્યોગકારોએ માંગ ઉઠાવી છે.

- text