મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સનો ફુંફાડો, આઈસ્ક્રીમ, ઠંડા પીણાંના નમૂના લેવાયા

- text


બાંધાની હિંગનો નમૂનો ફેઈલ થતા નોટિસ ફટકારાઇ : તીખા ગાંઠિયા અને સેવના નમૂના ફેઈલ થતા દુકાનદારને દંડ

મોરબી : મોરબીમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાંબા અંતરાલ બાદ આળસ ખંખેરી છે અને ફૂડ એન્ડ ડ્રગ્સનો વિભાગ દ્વારા આઈસ્ક્રીમ, ઠંડા પીણાંના નમૂના લેવામાં આવ્યા છે. જો કે અગાઉ બાંધાની હિંગનો નમૂનો ફેઈલ થતા નોટિસ ફટકારાવામાં આવી છે. સાથેસાથે તીખા ગાંઠિયા અને સેવના નમૂના ફેઈલ થતા દુકાનદારને દંડ ફટકાર્યો છે.

મોરબીમાં દર ઉનાળે ઠંડા પીણાંનું વ્યાપકપણે વેચાણ થતું હોય તેમાં ભેળસેળની પૂરેપૂરી શકયતા હોવા છતાં દરેક વખતે હાથ ઉપર હાથ ધરીને બેસી રહેતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ વખતે ઉનાળાની સીઝનમાં ઠંડાપીણાં ઉપર લગામ કસવાનો તખ્તો ઘડયો હોય એમ ફિનિક્ષ આઈસ્ક્રીમ, ભવાની સોડા અને મોહનભાઇની લચ્છીની દુકાનમાંથી નમૂના લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે.જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં આવેલ અમરનાથ ટ્રેડિંગને નોટિસ ફટકારી છે. આ અમરનાથ ટ્રેડિંગમાં વેચાતી લક્ષ્મી બાંધાની હિંગનો નમૂનો લીધો હતો. પણ આ હિંગ ઉતરતી ક્વોલિટીની હોવાથી તેનો રિપોર્ટ ફેઈલ જતા નોટિસ આપવામાં આવી છે.

- text

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બે કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં રવાપર ગામ પાસે આવેલ રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરમાંથી તીખા ગાંઠિયા અને સેવના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં દાઉદી પ્લોટમાં આવેલી ક્રિષ્ના નમકીનમાંથી હોલસેલમાં લઈને આ પ્રોવિઝન સ્ટોરમાં તીખા ગાંઠિયા અને સેવ વેચાતી હતી. આ નામકીનના પેકીંગમાં પુરી વિગત દર્શાવેલ ન હોવાથી રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરના માલિકને તીખા ગાંઠિયા અને સેવ માટે 20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ પ્રોડકડ આવનાર ક્રિષ્ના ગૃહ ઉધોગના માલિકને પણ રૂ.30 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ઉનાળામાં કેરીના રસમાં મોટાપાયે ભેળસેળ હોવાની ફરિયાદ ઉઠે છે. કેરી મોંઘી અને રસ સસ્તો વેચાતો હોય કેરીનો રસ અખાદ્ય હોવાની પૂરેપૂરી શકયતા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ દિશામાં તપાસ ચલાવે તો કેરીના રસના હાટડા ઉપર લગામ આવે તેમ છે. આ ઉપરાંત બીજા ઘણા અખાદ્ય વસ્તુઓ વેચાતી હોવાથી ડ્રગ્સ અને ફૂડ વિભાગને શહેરીજનોના આરોગ્યના હિત માટે હવે સુષુપ્ત રહેવું પોસાય એમ નથી.

- text