ખેડૂતો ચેતજો : વિઠ્ઠલતીડી, પુષ્પા જુકેગા નહીં.. જેવા ડુપ્લિકેટ કપાસ બિયારણે બજારમાં ધુમ મચાવી

- text


ટંકારામાં સફેદ સોનું તરીકે ઓળખાતા કપાસના બીજનો કાળો કારોબાર ફાલ્યોફૂલ્યો : જગતના તાતને છેતરાવતો વેપલો

આજની આખર તારીખ હોવા છતાં ડુપ્લિકેટ કે માન્યતા વગરનું કોઈ બીજ હજુ સુધી પકડાયુ નથી : ચેકીંગ હેડ કે.જી.પરસાણીયા

ટંકારા : ટંકારામાં ખેડૂતોને ડુપ્લીકેટ કપાસિયા બીજ બજારમાં જીએસટીવાળા પાકા બિલની કિંમતથી પણ વધુના ભાવે વેચવામાં આવે છે.ખેડૂતોને વિશ્વાસમાં લઇ પાકમાં ગુલાબી ઇયળો નહિ પડે તેવી વાતોમાં લઇ ડુપ્લીકેટ બિયારણોનું વેચાણ કરવામાં આવે છે.વિઠ્ઠલ તિડી,પુષ્પા-જુકેગા નહી,ફોરજી, ફાઈવજી,સુલતાન,એપલ સહિતના કપાસિયા બીજનો વેપલો વધ્યો વધવા લાગ્યો છે.

જગતનો તાત,અન્નનો માલિક,ધરતીપુત્ર,ખેડુ સહિત અનેક હુલામણા નામથી ઓળખવામાં આવતા ખેતીમાં કુદરતી કૃપા અને કાંડાના બળે કણમાંથી મણ કરી જીવમાત્રના પેટની જઠરાગ્નિ ઠારતા ખેડુતો દશે દિશામાંથી ડામ ખાઈ એ નવી વાત નથી.પરંતુ પુરતા પૈસા ખર્ચી ડુપ્લિકેટ ખાતર, દવા અને બિયારણ ખેડુતનુ આખું વર્ષ વેડફી નાખે છે.ત્યારે તેની સામે મોરબી જીલ્લા ચેકિંગ સ્ક્વોડની બે ટીમને કંઈ હાથમાં આવતું નથી? ખેડૂતો માટે કોણ? તેવા સવાલો ઉઠ્યા છે.

ગુજરાતનુ સફેદ સોનું તરીકે ઓળખાતા કપાસના બીજનો કાળો કારોબાર હાલ ફાલ્યોફૂલ્યો હોય એમ મોરબી જિલ્લામાં ફોરજી,ફાઈવજી થકી ગુલાબી ઈયળ સામે ફાયદાના વાયદા કરી ભોળા અને સીધા-સાદા ખેડુતોને હાલે બજારમાં લોકમુખે ચડેલા વિઠ્ઠલ તિડી, પુષ્પા-જુકેગા નહી,સુલતાન,એપલ જેવા આકર્ષક લાગે એવા નામ રાખી કોઈપણ જાતની પરવાનગી કે બિલ ચિઠ્ઠી વગર ઓરીજનલથી ડબલ ગણી કિંમત વસુલી આ બિયારણનો વેપલો ધુમ મચાવી રહ્યો છે.

ખેડૂતો પણ કપાસમાં આવતી ગુલાબી ઈયળના ત્રાસથી કંટાળી ગયા છે. જેનો સીધો ફાયદો આવા ઠગો લોભામણી લાલચ આપી ખેડૂતોને છેતરી રહ્યા છે. ઘણા વેપારીઓ તો કપાસીયાને લાલ જાંબલી કલરમાં ઝબોડી કલરવાળી કોથળીમાં ભરી બજારમાં વેચી રહ્યા છે.અને ખેડૂતો પણ હોંશે હોંશે ખરીદી પણ કરી રહ્યા છે.

આ બધી બાબતો વચ્ચે મહત્વની વાત એ છે કે મોરબી જીલ્લાની કવોલિટી ચેક ઈન્સ્પેક્ટર ટિમ એટલે કે ખાતર,બિયારણ, દવા સહિતની અન્ય પ્રોડક્ટ વિતરણ વ્યવસ્થા ચકાસણી કરતી શાખાએ આજ દીન સુધી એક પણ ડુપ્લિકેટ કે માન્યતા વગરની કપાસિયાની થેલી પકડી શકી નથી.

આ અંગે જીલ્લાના ચેકીંગ હેડ કે.જી.પરસાણીયા સાથે ટેલિફોન સંપર્ક કરતા જાણવા મળ્યું કે,” મહેકમની ભારે માથાફોડ છે. આખા જીલ્લા માટે માત્ર બે ટીમો બનાવી છે.એમા પણ બે જ કર્મચારીઓનો સ્ટાફ ચેકીંગ કરી રહ્યા છે.અને આજની આખર તારીખ હોવા છતાં ડુપ્લિકેટ કે માન્યતા વગરનું કોઈ બીજ હજુ સુધી પકડાયુ તો નથી પણ ધ્યાનમાં પણ આવ્યું નથી.”

ટંકારા તાલુકાના અનેક ગામોમાં જુદા જુદા ખેડૂતોને પાસે બીજ ખરીદી અને આવા બિયારણ વિશે પડતાલ કરતા જાણવા મળ્યું કે,આ ડુપ્લિકેટ અને માન્યતા વગરના બિયારણ ખરીદી માટે અત્યારે પડાપડી બોલે છે.બોલર્ગાડ બિટી બજારમાં જીએસટી વાળા પાકા બિલ સાથે ૮૦૦ મા મળે છે અને આ ફોરજી ફાઈવજી ૧૨૦૦ થી ૧૫૦૦ સીધી કોથળી વેચાણ થાય છે.

આજુબાજુના ખેડૂતો દ્વારા આ બિયારણ વાવેતર કરવાના છે અને ગત સાલ વાવેતર કરનારને મબલક પાક થયો હોવાના બણગાં ફૂંકી ખેડૂતોને માલ વેચી રહ્યા છે. ગત વર્ષે માન્યતા વગરનું ફોરજી વાવેતર કરનાર ટંકારા શહેરના ખેડૂત પાસેથી પૂછપરછ કરતા જાણવા મળેલ હતું કે આ તો ખાલી હંબક છે કે પાકમાં ગુલાબી ઈયળ નહી આવે પરંતુ ચાર વીઘામાં વાવેલ કપાસમાં ઈયળો થઇ ગઈ હતી.

મોરબી અપડેટ દ્વારા અધિકારી સાથે વાત કરાયા બાદ મોરબી જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા બિયારણની ખરીદી બાબતે ખેડૂતો જોગ અપીલ કરાઈ

- text

મોરબી જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા બિયારણની ખરીદી બાબતે ખેડૂતો જોગ કરાયેલી અપીલ : મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જિલ્લાના નાયબ ખેતી નિયામક દ્વારા બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવાનું જણાવાયું છે. મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે તેમ નાયબ ખેતી નિયામકશ્રી મોરબી કે.જી. પરસાણીયાની યાદીમાં જણાવેલ છે.

 

- text