હળવદના વેગડવાવ નજીક ગળેફાસો ખાઈ લેનાર યુવાનની ઓળખ મળી

- text


મૂળ છોટાઉદેપુરના મૃતક યુવાનના પિતાનું પણ ત્રણ દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું

હળવદ : હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામ નજીક આજે વહેલી સવારે લીમડાના ઝાડ પર લટકી જઈ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવાનની ઓળખ મળી છે.મૂળ છોટા ઉદેપુરના યુવાને એકલવાઈ જિંદગીથી કંટાળી આ પગલું ભર્યાનું તેમજ ત્રણ દિવસ પહેલા યુવાનના પિતાનું પણ મૃત્યુ નિપજ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામ નજીક આવેલ મકનભાઈ લવજીભાઈની વાડી પાસે અંદાજે ૩૨ વર્ષીય આદિવાસી યુવાને લીમડાના ઝાડ પર લટકી જઈ ગળેફાંસો ખાઇ લીધો હતો.બનાવને પગલે હળવદ આઉન બીટ જમાદાર વિજયભાઈ છાસિયા,હરપાલસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લવાઈ હતી પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવાન મૂળ છોટાઉદેપુર જિલ્લાના થાનલા ગામનો હોય તેમજ મૃતક યુવાનનું નામ સુદેશભાઈ ઉર્ફે સુરો ઉર્ફ સુરેશ જીતુભાઈ નાયક હોય તેમજ આ યુવાન થોડા દિવસોથી હળવદ પંથકમાં છૂટક મજૂરી કરતો હતો.

- text

વધુમાં આ યુવાનના પિતાનું પણ ત્રણ દિવસ પહેલાં જ તેઓના વતનમાં મૃત્યુ થયું હોવાનું તેમજ મૃતક યુવાનની પત્ની પણ અગાઉ તેને મૂકીને જતી રહી હોય જેથી યુવાન માનસિક રીતે ભાંગી પડયો હોય અને સતત ટેન્શનમાં રહેતો હોય જેથી ગત રાત્રીના ગળે ફાંસો ખાઈ લીધો હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી છે.હાલ પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારજનો નો સંપર્ક કરી તેઓને હળવદ બોલાવવામાં આવ્યા છે.

- text