આ વર્ષે ચોમાસું બેવડાવાની સંભાવના : ખાદલી પદ્ધતિ મુજબ આગાહી કરતા નેસડાના ખેડૂત

- text


ખેત ઉત્પાદનમા ઘટાડો, ઘાસચારાની તંગી, મોંઘવારીમાં વધારો, ચોરી-લૂંટફાટના બનાવો વધવાની શક્યતા

ટંકારા : ટંકારાના નેસડા ખાનપરના આકાશદર્શન અભ્યાસુ ખેડુતે પોતાની કોઠાસૂઝથી કરેલી આગાહી મુજબ 2022નું ચોમાસુ બે અંકનો સંયોગ લઈને આવ્યુ છે. જેમાં બે વાવણી,બે વરસાદ,બે વાયરા અને બે વાવાઝોડા આવશે.તેમજ ખેત ઉત્પાદન ઘટશે અને ઘાસચારામાં તંગી જોવા મળશે.મોંઘવારી પણ ફાટી નીકળશે.

ટંકારાના નેસડા ખાનપરના ખેડુત કિશોરભાઈ ભાડજા પોતાની કોઠાસુઝથી દર વર્ષે વરસાદની આગાહી કરે છે. આગાહી કરવા માટે જે પદ્ધતિને અનુસરવામાં આવે છે. તે એક ખગોળીય ઘટના છે. જેને સ્થાનિક ભાષામાં ખાદલીના એટલે કે આકાશી ચિત્ર નામે ઓળખવામાં આવે છે.આ માટે ચૈત્ર સુદ પાંચમની રાત્રે સર્જાતી આકાશમાં ગ્રહોની સ્થિતિનું નિરીક્ષણ અને અભ્યાસ કરવાનો હોય છે.આ નિરીક્ષણ પદ્ધતિમાં કૃતિકા નક્ષત્રને છોકરા તરીકે ઓળખવામાં આવે છે.રોહણી નક્ષત્ર માલના ગાડાથી ઓળખાય છે.ચંદ્રને વસિયત એટલે કે વેપારી કહેવાય છે.મૃગર્શી નક્ષત્રને રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે.

આગામી તા.5ને મંગળવારની રાત્રે ખાદલી ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે જોવા મળશે.ચિત્ર પ્રમાણે વસિયત માલના ગાડા વચ્ચેથી છોકરાઓ ચાલે છે.તે જોતા ખેત ઉત્પાદનમા ઘટાડો આવશે.ઘાસચારાની તંગી વર્તાશે તેવું ચિત્ર જોતા લાગે છે કે વશિયત માલના ગાડાની સામે જોઈને ચાલે છે.જેથી મોંઘવારી વધશે.ખેત ઉત્પાદનના ભાવ પણ વધશે.ચોરી લૂંટફાટના બનાવો વધશે.ચિત્રમાં વશિયત છોકરાથી નજીક ચાલે છે.જેથી માણસ સમૂહ ઉપર કુદરતી આફત આવશે.અંદાજ પ્રમાણે દિવાળી પછી કારતક મહિનામાં ચિત્રમાં વશિયાત રખેવાળથી પણ દૂર દેખાય છે.તેથી સરહદ પર કોઈ ભય નથી.

- text

આ વર્ષે 2022નું ચોમાસુ બે અંકનો સંયોગ લઈને આવ્યુ છે.આ વર્ષે બે વાવણી,બે વરસાદ,બે વાયરા અને બે વાવાઝોડા આવશે.તા.6 જૂન પછી અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન થશે.તા. 22 જૂનથી આદ્રા નક્ષત્ર બેસે છે.તા.24 જૂનથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે.તા.1 જુલાઈ થી વાયરો નીકળશે.વાયરામાં જુઝ વિસ્તારમાં વરસાદ થશે.તા.28 જુલાઈ થી વરસાદનો રાઉન્ડ ફરી ચાલુ થશે.તા.4 ઓગષ્ટ થી ચોમાસુ નબળુ પડી જશે અને ધીમેધીમે ચોમાસુ હિમાલયની તળેટીમાં જતુ રહેશે.બીજા વાયરામાં અમુક વિસ્તારમાં વરસાદ થશે.નોરતા ઉતરતા તા.5 ઓક્ટોબરની આજુબાજુ અરબી સમુદ્રમાં ફરી એકવાર વાવાઝોડું ઉત્પન થશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જૂન મહિનામાં કિશોરભાઈએ ખાદલી જોઈ આપેલી વરસાદની આગાહી સાચી પડી હતી. આકાશદર્શન વર્ષોથી ચાલતી પરંપરા છે.તેના ઉપરથી તારણ કાઢી ભવિષ્યની શક્યતાઓ દર્શાવી શકાય છે. બાકી બધું કુદરતના હાથમાં હોવાનું વર્ષા વરતારો આપનાર કિશોરભાઈ ભાડજા એ જણાવ્યું હતું.

- text