હળવદમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ ઉપર ટોળાનું હલ્લાબોલ : ગાડીના કાચ ફોડ્યા

- text


માળીયા હળવદ હાઇવે ઉપર ત્રણ રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બનેલી ઘટના : હળવદ પોલીસ ઘટના સ્થળે

હળવદ : ચોરીના આરોપીઓના લોકેશનના આધારે ખાનગી ઇનોવા કારમાં હળવદ આવેલી અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ ઉપર ત્રણ રસ્તા નજીક ટોળાએ હલ્લાબોલ કરી ગાડીના આગળના કાચ ફોડી નાખતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ કાફલો પણ બનાવ સ્થળે આવી ગયો હતો અને એક સીએનજી રીક્ષા કબ્જે કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે શુક્રવારે રાત્રે સાડા નવથી પોણા દસ વાગ્યાના અરસામાં હળવદ માળીયા હાઇવે ઉપર હળવદના ત્રણ રસ્તા નજીક ખાનગી ગાડીમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ ચોરીના બે આરોપીઓ સાથે લઈને ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીના લોકેશનને આધારે પગેરું દબાવી આવી પહોંચી હતી.

જો કે ખાનગી ગાડીમાં આવેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી હળવદના ભારત પેટ્રોલપમ્પ નજીક કાર્યવાહી શરૂ કરતાં જ અહીં ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસની ખાનગી ઇનોવા ગાડીનો આગળનો કાચ ફોડી નાખવામાં આવ્યો હતો.

- text

દરમીયાન બનાવની જાણ થતાં જ હળવદ પોલીસની બે ગાડીઓ પણ બનાવ સ્થળે દોડી આવી હતી અને ટોળું વિખેરાઈ ગયું હતું અને કેટલાક લોકો નાસી છૂટ્યા હતા. જો કે આ બનાવ અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ એક રીક્ષા કબ્જે લેવામાં આવી હોવાનું બિન સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text