મોરબી જિલ્લામાં કાલથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ : 1368 બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ આપશે

- text


ઓનલાઇન ફોર્મ ભરવામાં ભૂલ ન કરવા તંત્રની અપીલ : 11 એપ્રિલ સુધી પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

મોરબી : મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આરટીઇ હેઠળનો કાયદો અમલી બનાવી ખાનગી શાળામાં ૨૫ ટકા બાળકોને વિના મૂલ્યે(સરકારી ખર્ચે) પ્રવેશ આપવામાં આવે છે. જેમાં આવતીકાલે તા.30 માર્ચથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 185 શાળાઓમાં 1368 બાળકોને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં તા.૩૦ માર્ચ થી ૧૧ એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તા.૩૦ માર્ચથી ૧૬ એપ્રિલ સુધી જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ-રીજેક્ટ કરવાની રહેશે. તેમજ ખુટતા ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા માટે વાલીઓને તા.૧૭ થી ૧૯ એપ્રિલ સુધીનો સમયગાળો આપવામાં આવશે. બાદમાં તા.૧૭ થી ૨૧ એપ્રિલ સુધીમાં પુન: અપલોડ થયેલ ડોક્યુમેન્ટની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તા.૨૬ એપ્રિલના રોજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. ઓનલાઈન પ્રવેશ માટે http://www.rte.orpgujarat.com પર અરજી કરવાની રહેશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ કુલ 1368 બાળકોને ખાનગી શાળામાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. જેમાં મોરબી તાલુકાના સૌથી વધુ 892, હળવદ તાલુકાના 99, વાંકાનેર તાલુકાના 198, ટંકારા તાલુકાના 172, માળીયા તાલુકાના 7 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે આરટીઇ હેઠળ જિલ્લાની 185 ખાનગી સ્કૂલોમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે નિયત કરાઈ છે. જેમાં મોરબી તાલુકાની 101, હળવદ તાલુકાની 27, વાંકાનેર તાલુકાની 34, ટંકારા તાલુકાની 22 અને માળીયા તાલુકાની 1 ખાનગી સ્કૂલનો સમાવેશ થાય છે.

- text