મોરબીમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નહેરોની સફાઇ-મરામત કામ કરાશે

- text


જિલ્લામાં ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચે ૧૨૪ કામો હાથ ધરાશે

મોરબી : સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા પહેલાં જળ સંચયનો વ્યાપ વધે તે પ્રકારના કામો લોકભાગીદારી, મનરેગા, ખાતાકીય રીતે થાય તે માટે વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ગત ૧૯ માર્ચના રોજ મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ નો માળીયા તાલુકાના વેજલપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં સ્ટેટ સિંચાઇ વિભાગ દ્વારા ૨૬ કામો પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ૧૯ કામો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૬ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા ૧૭ કામો, નગરપાલિકાઓ દ્વારા ૩૬ કામો તેમજ વન વિભાગ દ્વારા ૧૦ કામો હાથ ધરવામાં આવશે. આમ તમામ વિભાગો મળીને કુલ ૧૨૪ કામો મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત હાથ ધરાશે અને તેના માટે અંદાજે ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અભિયાન દરમિયાન અંદાજે ૪,૫૩,૭૧૬ ઘન મીટર માટીનો જથ્થો કાઢવામાં આવશે તેમજ ૧૩૧ કિ.મી. લંબાઇની નહેરોની સફાઇ અને મરામત કામ હાથ ધરવામાં આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરવામાં આવી છે.સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરી, હયાત ચેકડેમોનું ડીસીલ્ટિંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટિંગ, હયાત/નુકસાન પામેલ ચેકડેમોનું રીપેરીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓની સફાઇ, નહેરોની મરામત/જાળવણી/સાફસફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, માટીપાળા, ટેરેસ/વનતળાવ, ખેત તલાવડી, શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનોમાં વાલ્વમાંથી થતાં પાણીનો બગાડ રોકવા વગેરે જેવા કામો માટે આયોજન કરવામાં આવ્યું છે.

- text