સિરામીક ઇન્ડસ્ટ્રીઝને અપાતા ગેસમાં 20 ટકાનો કાપ ઝીંકાયો

- text


 

માર્ચ મહિનાના 11 દિવસ બાદ અચાનક 20 ટકા કાપ લદાતા ઉદ્યોગકારોને 30 ટકાનો કાપ વેઠવો પડશે : તમામ સિરામીક એકમોને ઉત્પાદનમા કાપ મુકવો પડશે

ગુજરાત ગેસ કંપની દ્વારા આડકતરો ભાવ વધારો : એમજીઓ પૂર્ણ થયે નોંન એમજીઓમાં ઉંચા ભાવે ગેસ વાપરવો પડે

મોરબી : મોરબી સિરામીક ઉદ્યોગને એક પછી એક ફટકા પડી રહ્યા છે ત્યારે નેચરલ ગેસમાં ભાવવધારા પૂર્વે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામીક એકમોને આપવામાં આવતા ગેસના જથ્થામાં માર્ચથી એપ્રિલ દરમિયાન 20 ટકાનો કાપ લાદી દેતા આગામી 25મી તારીખ બાદ અનેક ઉદ્યોગોને કા તો નોન એમજીઓમાં ઉંચા ભાવે ગેસ ખરીદવો પડશે અથવા 25મી તારીખ બાદ ઉત્પાદન બંધ કરવાની નોબત આવશે.

મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જનાવ્યુ હતું કે, આજે ગુજરાત ગેસ કંપની દ્વારા ચાલુ માર્ચ માસથી એપ્રિલ મહિનાની ગેસ વપરાશ સાયકલમાં 20 ટકા કાંપ લાદવામાં આવ્યો છે. તેઓએ ઉમેર્યુ કે, વાસ્તવમાં આ 20 ટકાનો કાપ સિરામીક ઇન્ડસ્ટ્રીઝને 30 ટકા અસર કરી રહ્યો છે કારણ કે શરૂઆતના આ 11 દિવસમાં એમજીઓ મુજબનો વપરાશ થઈ ચૂક્યો છે ત્યારે જો હવે પ્રોડક્શન ઘટાડવામાં ન આવે તો નોન એમજીઓ મુજબ ખૂબ જ ઉંચા ભાવે ગેસ વપરાશ કરવો પડે.

- text

હાલમાં મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝને ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 62 આસપાસના ભાવે એમજીઓ મુજબ ગેસનો જથ્થો પૂરો પાડવામાં આવે છે પરંતુ અચાનક જ એમજીઓ મુજબના જથ્થામાં પણ 20 ટકાનો કાપ ઝીંકવામાં આવતા ચાલુ મહિનામાં સિરામીક એકમોને ગેસનો કાપ જોતા કા તો ઉચા ભાવે નોન એમજીઓ મુજબ બજાર કિંમતે ગેસ વપરાશ કરવો પડશે અન્યથા તા.25મી માર્ચ બાદ પ્રોડક્શન બંધ કરવું પડશે. જો કે હાલમાં યુક્રેન રશિયા યુદ્ધના કારણે એક્સપોર્ટમાં ફટકો પડયો છે તેવા સમયે જ પ્રોડક્શનમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાતા ઉદ્યોગકારોની મુશ્કેલી વધવા પામી છે.

બીજી તરફ આજે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાયમાં 20 ટકા કાંપ મુકવામાં આવતા બપોર બાદ લાંબો સમય સુધી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ અને મોરબી સિરામીક એસોશિએશનના હોદેદારો તેમજ અગ્રણી સિરામીક ઉદ્યોગકારો વચ્ચે બેઠક પણ યોજાઈ હતી. જો કે આમ છતાં ગુજરાત ગેસ કંપની દ્વારા 20 ટકા કાપ અમલી બનાવી આગામી એકાદ અઠવાડિયામાં જ ગેસના ભાવમાં વધારો કરવાના સંકેતો પણ આપી દીધાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

- text