મોરબી પાલિકાએ ધોકો પછાડ્યો : રૂ. 1.27 કરોડની વસુલાત માટે એસટી, માર્ગ-મકાન સહિતના વિભાગોને મિલકત જપ્તીની નોટિસ

- text


અગાઉ નોટિસ ફટકારી 15 દિવસનો સમય અપાયો છતાં બાકી વેરો જમા ન થતા હવે મિલકત જપ્તીની તૈયારી આદરી

મોરબી : મોરબી પાલિકાના નવા ચીફ ઓફિસરે ઘણા લાંબા સમયથી ચાલતી લાલીયાવાડી ઉપર પૂર્ણવિરામ મૂકી બાકી લેણું વસૂલવા રીતસરનું મિશન શરૂ કર્યું છે. અગાઉ અનેક આસમીઓને નોટિસો બાદ હવે તો સરકારી વિભાગોને પણ બક્ષવામાં આવ્યા નથી. આજે તેઓએ રૂ. 1.27 કરોડનું વેરા પેટે લેવાનું થતું લેણું વસૂલવા માટે ત્રણ સરકારી વિભાગો સહિતના 5 આસામીઓને મિલકત જપ્તીની નોટિસ ફટકારતા સન્નાટો મચી ગયો છે.

મોરબી પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ માર્ચ એન્ડિંગને ધ્યાને લઈને વર્ષોથી વેરો ન ભરનાર આસામીઓ સામે ધોકો પછાડ્યો છે. તેઓએ રૂ. 1.27 કરોડનું બાકી લેણું વસૂલવા માટે ત્રણ સરકારી વિભાગ મળી કુલ 5 આસામીઓને અગાઉ નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં 15 દિવસનો સમય આપવામાં આવ્યો હોય, 15 દિવસ પૂર્ણ થયા હોવા છતાં આસામીઓ પાસેથી વેરાની વસુલાત ન થતા તેઓએ મિલકત જપ્તીની નોટિસ ફટકારી દીધી છે.

- text

બાકીદારોની વિસ્તૃત વિગતો જોઈએ તો નવલખી બંદરનું વીસીપરામાં ગોડાઉન આવેલ છે. તેઓ દ્વારા 21.67 લાખનો બાકી વેરો ભરવામાં આવ્યો નથી. જ્યારે એસટી વિભાગના જુના બસ સ્ટેન્ડના વેરા પેટે રૂ. 14.05 લાખ અને નવા બસ સ્ટેન્ડના રૂ. 11 લાખ બાકી છે. નાયબ ઈજનેર માર્ગ અને મકાન પેટા વિભાગના રૂ. 28.03 લાખ વેરા પેટે બાકી બોલે છે. જ્યારે મોરબી કોટન એન્ડ મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના 52.25 લાખ વેરાના બાકી છે. આમ કુલ રૂ. 1.27 કરોડની વેરા વસુલાત કરવા માટે પાલિકા તંત્રએ મિલકત જપ્તી કરવાની તૈયારીઓ આદરી છે.

- text