કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય : ફાગણ મહિનો આવતાં કેસુડો સોળે કળાએ ખીલ્યો

- text


કેસુડાના કેસરિયા માહોલ વગર ધૂળેટી અધૂરી છે
ઓષધિરૂપે કેસુડો અનેક રોગોમાં રામબાણ ઇલાજ

રંગોના તહેવાર ધુળેટીનું પર્વ આવી રહ્યું છે ત્યારે કુદરત થકી માનવજીવનની સૌથી અનમોલ ભેટ એવા કેસૂડાંની વાત કેમ ભૂલાય.. હોળી-ધુળેટીનું પર્વ કેસુડાના ફૂલની મહેંક અને રંગથી ખાસ બની જાય છે. ફાગણ મહિનો આવતાં જ કેસુડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે કેસૂડાંના રંગથી ધૂળેટી રમતા તે ભાવ સાથે હવેલીઓમાં વસંતપંચમીથી ધુળેટી સુધી 40 દિવસ ડોલોત્સવ મનાવવામાં આવે છે.

પ્રકૃતિ સાથે માનવ જીવનનો અતૂટ સંબંધ બનાવી રાખવા માટે કેસૂડાં સેતુરૂપ બની રહે છે. કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ શહેરોમાં લગભગ કેસુડો જોવા મળતો નથી. ખાખરો કે પલાશ તરીકે પણ ઓળખતો કેસૂડો એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. તેના પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધાં ખરી પડે છે. એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે તે પહેલા મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ)માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે કેસૂડાનાં ફૂલને ઝારખંડ રાજ્યમાં રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.

- text

આરોગ્યની દ્રષ્ટિએ કેસૂડો ગુણકારી

એક તરફ શિશિર ઋતુના જવાની તૈયારી તો બીજી તરફ ગ્રીષ્મ ઋતુ આવવાની તૈયારી હોય છે. ત્યારે કેસૂડાંના ફૂલથી માનવ શરીર સમતોલન પ્રાપ્ત કરે છે. ચર્મરોગ તેમજ અતિસારના રોગીઓને તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. ગ્રીષ્મ ઋતુમાં શરીરનુ તાપમાન જાળવી રાખે છે. બાળકોને થતા ઓરી, અછબડા કે બળિયામાં પણ કેસુડાંના ફૂલને પાણીમાં ઉકાળી ઠંડુ કર્યા બાદ બાળકને સ્નાન કરાવવાથી લાભ થાય છે. આમ, આરોગ્યની દ્રષ્ટિએ કેસૂડો ગુણકારી છે. અને ઓષધિરૂપે કેસુડો અનેક રોગોમાં રામબાણ ઇલાજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

હોળી અને ધૂળેટીમાં કેસૂડાંનું અનેરૂ સ્થાન

આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આમ પણ કેસુડાના રંગબેરંગી ફૂલોના કેસરિયા માહોલ વગર ધૂળેટી અધૂરી છે. ફાગણ માસના ધમધોખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો અનેરૂ સ્થાન પામી ચુક્યો છે. જો કે હવે કેમીકલવાળા રંગોનું ચલણ અને ચમક વધવાથી પ્રાકૃતિક રંગ ઝાંખો પડી રહ્યો છે. કેમિકલવાળા અને ઓઈલમિશ્રિત રંગો માનવ આરોગ્ય માટે હાનિકારક તો છે જ, પરંતુ તેનાથી પર્યાવરણને પણ નુકશાન પહોંચે છે. અંતરિયાળ ગામના લોકો અને આદિવાસીઓ જંગલમાં જઈ કેસુડાના ફુલ લાવી રંગ બનાવી એક બીજા પર રંગ નાખી કુદરત સાથે સંબધ જાળવવાનો પ્રયાસ કરી કેસુડાંના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text