એસ.પી.એ મોરબી શહેરમાં 13 પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા દરખાસ્ત કરી

- text


રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

મોરબી : મોરબી શહેરને કાયમી માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તે હેતુથી રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ(પંચાયત,શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ) વિશેષ રસ લઇને વિવિધ સંગઠનોની માંગણી મુજબ આગામી સમયમાં શહેરમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા અંગેની રજૂઆત બાદ પ્રથમવાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં મંત્રીએ વિવિધ સંબંધિત વિભાગનો અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ તકે પદાધિકારીઓ દ્વારા મોરબી શહેરમાં વિવિધ સ્થાનો પર ટ્રાફિક સિગ્નલ મુકવા માટેના પોઇન્ટ સુચવવામાં આવ્યા હતા.આ સાથે જ શહેરમાં વન-વે વધારવા,રોડ-રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા,નગર દરવાજો,ગાંધીચોક,રામચોક,શાકમાર્કેટ જેવા ભરચક વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યાઓ હલ કરાવી,વન-વેનો કડક અમલ થાય, પાર્કિંગ પ્લોટ વધારવા અંગે તેમજ શહેરમાં વધુ બેઠા પુલનું નિર્માણ થાય તે દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરના ૧૩ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા સહિત અન્ય ટ્રાફિક નિવારક મુદ્દાઓની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, જયદીપચોક, વી.સી.ફાટક, ત્રાજપર ચોકડી, માળીયા ફાટક, રવાપર ચોકડી કેનાલ રોડ, રેલ્વે સ્ટેશન નવલખી રોડ, પંચાસર ચોકડી બાયપાસ, વાવડી ચોકડી બાયપાસ, નવલખી ફાટક બાયપાસ, જૂના બસ સ્ટેન્ડ પાસે અને મહેન્દ્રનગર ચોકડી હળવદ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, હાલમાં જ માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીની મોરબી મુલાકાત દરમિયાન શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરની ફરતે રીંગ રોડની દરખાસ્ત કરેલ છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ઉપરાંત વિકસતા અને વિસ્તરતા મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામગીરી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

- text

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા,ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા,નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર,ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા,શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા,અગ્રણી સર્વે જયુભા જાડેજા, જીગ્નેશભાઇ કૈલા,સુરેશભાઈ દેસાઈ, કે.કે. પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text