મોરબી મહાનગર પાલિકા બને તો પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે : મોરબી સિરામીક એસોસિએશન

- text


હાલમાં દેશ – વિદેશથી આવતા વેપારીઓને જંગલ જેવો અનુભવ થઈ રહ્યાની માર્મિક ટકોર કરતા સિરામીક એસોશિએશન પ્રમુખ નિલેશ જેતપરિયા

મહાનગર પાલિકા બનતા આઈએએસ અધિકારીઓની દુરંદેશીથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનવાની આશા વ્યક્ત કરાઈ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલ મોરબી માંગે મહાનગર ઝુંબેશ ધીમે ધીમે મક્કમ ગતિએ આગળ ધપી રહી છે ત્યારે મોરબી સિરામીક એસોશિએશન દ્વારા મોરબીને મહાનગર બનવવાની તાતી જરૂરિયાત હોવાનું ભારપૂર્વક જણાવી આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે તેમ જણાવી મોરબી મહાનગર બને તો પાયાની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી શકે તેમ હોવાનું ઉમેર્યું હતું.

સિરામીક સિટીથી વિશ્વભરમાં જાણીતા બનેલા મોરબી શહેરમાં રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને વિશેષતઃ સુવ્યવસ્થિત ટાઉન પ્લાનિંગ નામે શૂન્ય હોય મોરબીનો વિકાસ થવા ને બદલે મોરબી અધોગતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મોરબી માંગે મહાનગર ઝુંબેશ શરૂ કરી મોરબી અપડેટ દ્વારા સરકાર સમક્ષ મોરબીના ભવિષ્યનો વિચાર કરી મહાનગર પાલિકા આપવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું છે કે, મોરબીની વર્તમાન સ્થિતિ જોતા વહેલામાં વહેલી તકે મોરબીને મહાનગર પાલિકા ઘોષિત કરવું જોઈએ.

મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા વધુમાં જણાવે છે કે, મોરબીને મહાનગર પાલિકા બનવવામાં આવે તો જનસુવિધામાં વધારો થવાની સાથે મોરબીની જે પાયાની સમસ્યાઓ છે તેનો કાયમી નક્કર ઉકેલ આવી શકે છે.

- text

તેઓ ઉમેરે છે કે, પ્રવર્તમાન સ્થિતિમાં મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારોમાં સિરામીક, પોલીપેક, પેપરમિલ, બાથવેર સહિત અનેક ઉદ્યોગો સોળે કળાએ ખીલ્યાં છે ત્યારે સ્વાભાવિક રીતે જ અન્ય રાજ્ય અને વિદેશમાંથી મોટી સંખ્યમાં વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ, તેમજ અન્ય પ્રતિનિધિ મંડળો નિયમિત રીતે મોરબી આવે છે પરંતુ પાયાની સુવિધાઓના અભાવને કારણે ટ્રાફિક ગીચતાથી ભરેલ મોરબી શહેરની ખરાબ છાપ લઈને પરત જાય છે.

આ સંજોગોમાં જો મોરબીને મહાનગર બનવવામાં આવે તો કુશળ વહીવટકર્તા એવા આઈએએસ ઓફિસર, ક્વોલિફાઇડ એન્જીનિયર્સની નિમણૂક થવાની સાથે શહેરના ઇન્ફ્રાટ્રક્ચરમાં વધારો થાય તેમજ અત્યારનું વેર વિખેર અને અસ્તવ્યસ્ત ટાઉન પ્લાનિંગ શક્ય બને ઉપરાંત રાજકીય હસ્તક્ષેપને બદલે કુશળ અધિકારીઓ સ્વતંત્રતાથી કામ કરી શકે તેમ હોય મોરબીનો વિકાસ હજુ પણ બમણા વેગથી શક્ય બની શકે.

અંતમાં તેઓ ઉમેરે છે કે હાલમાં સિરામીક તેમજ અન્ય ઉદ્યોગોની મુલાકાતે આવતા પ્રતિનિધિ મંડળો અને ઉદ્યોગપતિઓ મોરબી આવતા જ ધૂળિયા રસ્તાઓ,ટ્રાફિક અને ઉબળ – ખાબળ માર્ગો અને અંધાધૂંધી ભરી સ્થિતિ નિહાળી વેરાન જંગલમાં આવ્યાની અનુભૂતિ કરતા હોય તેવી સ્થિતિ છે ત્યારે સરકાર અને મોરબીના રાજકીય મહાનુભાવો મોરબીને મહાનગર બનાવવાની દિશામાં વહેલી તકે નીર્ણય લે તે ખૂબ જ આવશ્યક છે.

- text