વાંકાનેરના અમરસરમાં ગૌચરની જમીનમાં ઘૂસણખોરી

- text


પવનચક્કી કંપની દ્વારા ગેરકાયદે રસ્તા બનાવવામાં આવતા ગ્રામપંચાયત સદસ્ય અને નાગરિકો દ્વારા ડીડીઓ – ટીડીઓને રજુઆત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે પર્યાવરણની ઘોર ખોદી નાખનાર પવનચક્કી કંપની દ્વારા સુપ્રિમકોર્ટ અને હાઇકોર્ટના આદેશને અવગણી ગૌચરની જમીનમાં ઘૂસણખોરી કરી કોઈપણ જાતની મંજૂરી વગર રસ્તા બનાવવાનું શરૂ કરતા ગ્રામ પંચાયતના સદસ્ય અને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને રોષભેર રજુઆત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની સરકારી સર્વે નંબર 105ની જમીનમાં વિન્ડ ફાર્મ કંપની એટલે કે પવનચક્કી કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા વગર વૃક્ષોનું નિકંદન કાઢી એપ્રોચ રોડ તેમજ વીજ પરિવહન માટે થાંભલા ખોડવાની કામગીરી કરવામાં આવતા અમરસર ગામના જાગૃત નાગરિક સમીર તારમામદભાઈ બ્લોચ તેમજ ગ્રામ પંચાયત સદસ્ય ઇબ્રાહિમભાઈ અમીભાઈ ખોરજીયા અને હુસેનભાઈ હજીભાઈ ખોરજીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને તાકીદે પગલા ભરી કામગીરી અટકાવવા માંગ કરી છે.

- text

વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, વિન્ડ ફાર્મ કંપની દ્વારા ગૌચરની જમીનમાંથી બાવળ, બોરડી, ગોરડ, ખેર, ખાખરા જેવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને પશુ ચારિયાણ ન કરી શકે તેવી સ્થિતિ સર્જી છે. ગૌચરની જમીન પ્રશ્ને નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ દ્વારા કોઈપણ પ્રવૃત્તિ ન કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હોવા છતાં પવનચક્કી કંપની દ્વારા દાદાગીરીથી હાલમાં કામગીરી થતી હોય સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રજૂઆતના અંતે જણાવાયું છે કે જો જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાકીદે પવનચક્કી કંપનીનું ગૌચરની જગ્યામાંથી એપ્રોચ રોડ રસ્તા અને વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી બંધ નહિ કરાવવામાં આવે તો આ મામલે કાનૂની કાર્યવાહી કરવા પણ સ્પષ્ટ પણે જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text