15 ડિસેમ્બર : આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ

- text


ખેડા, બોરસદ અને બારડોલી સત્યાગ્રહોમાં મહત્વની ભૂમિકાના લીધે સરદારની ગણના પ્રભાવશાળી નેતાઓમાં થાય છે

સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા, લોખંડી પુરુષ, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.

વલ્લભભાઈ પટેલનો જન્મ 1875માં 31 ઓક્ટોબરના રોજ થયો હતો અને તેમનું અવસાન 1950માં 15 ડિસેમ્બરના રોજ થયું હતું. તેમનો ઉછેર ગુજરાતના ગામ કરમસદમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વઅભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા.

ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે 1934 અને 1937ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે 562 અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના ઉપયોગની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય કરાવ્યો.

- text

વલ્લભભાઈએ ખેડા જિલ્લામાં થયેલા પ્લેગના અતિક્રમણ અને દુષ્કાળથી રાહત આપતા પગલાઓ ભરવાનું ચાલુ કર્યું હતું. ખેડા જિલ્લાના ખેડુતોને કરમાંથી રાહત આપવાની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચુકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતી આપી. ગાંધીજી પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે જ્યારે એક ગુજરાતી સક્રિય કાર્યકરને આ કામ માટે પોતાની જાતને સમર્પિત કરવાની હાકલ કરી ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાથી પોતાનું નામ આગળ ધર્યું, જે વાતની ગાંધીજીને ખુશી હતી.

આ નિર્ણય અંગે વલ્લભભાઈએ કહ્યું હતું કે એ ઈચ્છા તથા પ્રતિબધ્ધતાને અનુસરવાના તેમના નિર્ણય પર પહોંચતા પહેલા તેમણ ખુબ આત્મચિંતન કર્યું હતું, કારણ કે તેના માટે તેમણે પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો. એટલે જ દેશ માટે કારકિર્દીનો ત્યાગ કરનાર સરદાર પટેલ ગુજરાતીઓનું ગૌરવ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text