મોરબી સિરામિકના એન્ટી ડમ્પિંગ પ્રશ્ને હકારાત્મક અભિગમ દાખવતા કેન્દ્રીય મંત્રી ગોયલ

- text


 

સિરામિક એસો.ના હોદેદારો અને સાંસદ મોહન કુંડારિયાએ કેન્દ્રીય મંત્રીને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો અંગે કરી રજુઆત

મોરબીઃ મોરબી સિરામિક એસોસિએશનના જીસીસી અને યુરોપના દેશોમાં એન્ટી ડમ્પિંગના ચાલતા પ્રશ્નોને લઈને આજરોજ સીરામીક એસો.ના હોદેદારો અને સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવા કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપી છે.

આજરોજ સિરામિક એસો.ના હોદેદારોએ સાંસદ મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમાં દિલ્હી સંસદ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રૂબરૂ મળીને મોરબીના સિરામિક એસોસિએશનના જીસીસી અને યુરોપના દેશોના એન્ટી ડમ્પિંગના ચાલતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. મોરબી સિરામિકનું મોટાભાગનું એક્સપોર્ટ જીસીસીના દેશમાં થતું હોય પિયુષ ગોયલે મોરબી સિરામિકના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને સિરામિક ટાઈલ્સ પર જીસીસી અને યુરોપના દેશો દ્વારા લગાવેલા એન્ટી ડમ્પિંગના પ્રશ્નો માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

- text

દિલ્હી ખાતે થયેલી આ મિટીંગમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સિરામિક એસોસિએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, વિનોદભાઈ ભાડજા તેમજ ઉપ પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબીના સિરામિક ઉદ્યોગને અનેક પ્રશ્નો નડી રહ્યા છે. વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવતું આ ક્લસ્ટર પ્રથમ નંબર હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહ્યું છે. આ ઉધોગે પોતાના જોરે વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું છે. ત્યારે આ ઉદ્યોગને હજુ સરકાર દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવી પ્રોત્સાહન આપવામાં આવે તો આ ઉદ્યોગ વિશ્વમાં નંબર વન બની શકે છે. આજની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે સીરામીક એસો.ના હોદેદારોની બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહી હતી. મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી સીરામીક ઉદ્યોગને નડતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ મુલાકાત બાદ હવે સીરામીકના પ્રશ્નો હળવા બને તેવી ઉદ્યોગકારોમાં આશા જાગી છે.

- text