સિરામીક ટાઈલ્સની સ્થાનિક માંગમાં 30 ટકા અને એક્સપોર્ટમાં 50 ટકાનું ગાબડું

- text


કન્ટેનર ભાડા વધતા છેલ્લા ત્રણ માસથી દર મહિને એક્સપોર્ટમાં સતત 10 ટકા ઘટાડો

ચાલુ વર્ષે 8000 કરોડનું જ એક્સપોર્ટ રહેવાની શક્યતા

મોરબી : સિરામીક ક્લસ્ટર મોરબીને ગંભીર અને સહન ન કરી શકાય તેવી પાસ્ટ કોવિડ ઇફેક્ટ પડી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. દેશમાં સ્થાનિક માંગમાં ઓચિંતો ઘટાડો આવતા ડોમેસ્ટિક માર્કેટને 30 ટકા ફટકો પડ્યો છે તો ફોરેન એક્સપોર્ટ ઘટીને 50ટકા થઈ જતા ચાલુ નાણાકીય વર્ષમાં એક્સપોર્ટનો આંકડો 8000 કરોડ સુધી જ સિમિત રહેવાની શક્યતા જોવાઈ રહી છે.

કોરોના મહામારીને પગલે વિશ્વભરમાં ભારતના મુખ્ય હરીફ એવા ચીનનો બહિષ્કાર થતા કપરા સંજોગોમાં પણ સ્થાનિક તેમજ વિદેશમાં મોરબીના સીરામીક ઉદ્યોગે ડંકો વગાડી દીધો હતો અને મોરબી સીરામીક ઉદ્યોગનું ડોમેસ્ટિક માર્કેટ 48 હજાર કરોડને પાર કરી ગયું હતું. એ જ રીતે વિદેશમાં પણ મેક ઈન મોરબી સીરામીક પ્રોડ્કટની બોલબાલા જોવા મળવાની સાથે સીરામીક ક્લસ્ટર મોરબીનુ એક્સપોર્ટ 15 હજાર કરોડને પાર કરી ગયું હતું.

- text

પરંતુ કોરોના મહામારી બાદ એક્સપોર્ટ કરવામાં કન્ટેનર ભાડામાં તોતિંગ ઉછાળો આવતા મોરબીના સીરામીક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવું ગંભીર ચિત્ર સામે આવ્યું છે. છેલ્લા ત્રણ માસથી ફોરેન એક્સપોર્ટમાં દર મહિને દસ ટકા જેટલો ઉતરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. મોરબી વિન્ટેલ સિરામીકના માલિક અને મોરબી સીરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે, હાલમાં કન્ટેનર ભાડા વધતા એક્સપોર્ટ ઘટીને 50 ટકાએ પહોંચી ગયું છે. એ જ રીતે ડોમેસ્ટિક માર્કેટમાં પણ હાલમાં ટાઇલ્સની કોઈ ડિમાન્ડ ન હોવાથી સ્થાનિક વેચાણમાં 30 ટકા જેટલો ઘટાડો જોવા મળતા સિરામીક ઉદ્યોગમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

ઉલ્લેખનીય છે કે, રો મટિરિયલના ભાવમાં વધારો થવાની સાથે ડીઝલ, કુદરતી ગેસના ભાવમાં વધારો થવાની સાથે ટ્રાન્સપોર્ટ હડતાળ બાદ મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર સંકટના વાદળો ઘેરાવા લગતા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા નેનો, ડબલ ચાર્જ સહિતની ટાઇલ્સનું પ્રોડક્શન સ્વૈચ્છીક રીતે બંધ કરવાની સાથે-સાથે વિટ્રિફાઇડ ટાઈલ્સના ભાવમાં વધારો કરવા નિર્ણય કર્યો છે તેવા સમયે જ ડોમેસ્ટિક માર્કેટમાં માંગ ઘટવાની સાથે વિદેશી વ્યાપારમાં પણ પ્રતિકૂળ સંજોગો ઉભા થતા હાલમાં સિરામીક હબ મોરબીમાં સોપો પડી ગયો છે.


 

- text