કોના બાપની દિવાળી ? મોરબીમાં ધોળા દહાડે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ !!

- text


મોટાભાગના વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા તંત્રનો ઉર્જા બચતનો સંદેશ હાસિયામાં ધકેલાયો

જાગૃત નાગરિકે પીજીવીસીએલને રજુઆત કરી વીજ બગાડ અટકાવવાની માંગ કરી

મોરબી : મોરબીમાં જ્યારથી નવી એલઇડી લાઈટો નાખવામાં આવી છે. ત્યારથી જ આ લાઈટો ચાલુ બંધ રહેવાના કારણે વિવાદમાં સપડાઈ છે. કોના બાપની દિવાળીની જેમ મોટાભાગના વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. આથી વીજ બચતનો તંત્રનો ઉદ્દેશ્ય હાસ્યાસ્પદ ઠર્યો છે. 24 કલાક લાઈટો ચાલુ રહેવાથી લોકો કર ભારણ વધે છે. આથી જાગૃત નાગરિકે પીજીવીસીએલને રજુઆત કરી વીજ બગાડ અટકાવવાની માંગ કરી છે.

મોરબીના જાગૃત નાગરિક પ્રહલાદસિંહ ખોડુંભા ઝાલાએ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી કે, તંત્ર ઉર્જા બચત માટે રેલી કાઢી ભારે જનજાગૃતિ ચલાવે છે. પણ દીવાની પાછળ અંધારાની જેમ તંત્ર જ ખુદ વીજ બચત કરવાનું ભુલ્યું છે. જેમાં મોરબીમાં 24 કલાક જાહેર સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. મોરબી શહેરમાં ઘણા સમયથી મોટાભાગના વિસ્તારમાં ધોળા દિવસે લાઈટો ચાલુ રહેતી હોવા છતાં તંત્રની આંખે જાણે અંધાપો આવી ગયો હોય એમ દિવસે ચાલુ રહેતી લાઈટો દેખાતી નથી. લાંબા સમયથી આ રીતે વીજળીનો ખોટો બગાડ થતો હોવા છતા કોઈ અધિકારી કે કર્મચારીને કેમ આ દિવસે ચાલુ રહેતી લાઈટો દેખાતી નથી. એક તરફ તંત્ર ઉર્જા બચત માટે લોકોને શિસ્તના પાઠ શીખવાડે છે. પણ પોતે જ વીજ બચતનું પાલન કરતું ન હોવાથી આખરે પ્રજાના પૈસાનો ધુમાડો થાય છે.

- text

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પીજીવીસીએલમાંથી શહેરમાં આ સ્ટ્રીટ લાઈટોમાં પાવર સપ્લાય થાય છે. તેથી વીજ તંત્ર જ આ બાબતે દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ ન રહે અને ખોટા વીજ બગાડ ન થાય તેવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા જોઈએ. આથી તંત્ર ખરેખર વીજ બચત કરવા માંગતું હોય તો તેના માટે રેલી કે અન્ય પ્રયાસો કરવાને બદલે પોતાનાથી વીજળીનો બગાડ ન થાય તેવા સક્રિય પ્રયાસો કરવાની તેમણે ટકોર કરી છે. તેથી તેઓએ શહેરમાં સવારના સાત વાગ્યાની સાંજના સાત વાગ્યે સુધી સ્ટ્રીટ લાઈટો બંધ કરવાની માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text