હવે દરરોજ કરોડોનું ડીઝલ બચશે : સિરામિક ઉદ્યોગો માટે ટૂંક સમયમાં શરૂ થશે ટ્રક ઓન ટ્રેન સર્વિસ

- text


સિરામિક એસો.ની રેલવે સાથે મહત્વપૂર્ણ બેઠક 

મોરબીના ઉદ્યોગોની ગતિશીલતાથી પ્રભાવિત થઈ રેલવે વિભાગ દ્વારા એક અઠવાડિયામાં રોડમેપ તૈયાર કરવાનો લીધો નિર્ણય

મોરબી : વૈશ્વિક ક્ષેત્રે સમગ્ર દેશને ખ્યાતિ અપાવનાર મોરબીનો સિરામિક ઉદ્યોગ દિન પ્રતિદિન સતત આગળ વધી વિશ્વમાં નંબર વનનું સ્થાન હાંસલ કરવા પ્રયત્નશીલ છે. આ ઉદ્યોગ કોસ્ટ ઘટાડવા માટે નતનવીન ટેક્નિક અપનાવવાનું સાહસ ખેડી રહ્યો છે. જેના ભાગરૂપે ટ્રક ઓન ટ્રેન સર્વિસનો પ્રોજેકટ તૈયાર કરી તેને અમલમાં મૂકવા રેલવે વિભાગ સાથે બેઠક પણ કરવામાં આવી છે. રેલવેએ આ પ્રોજેકટમાં રસ દાખવતા હવે આ પ્રોજેકટ ટૂંક સમયમાં જ શરૂ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશ- વિદેશમાં પોતાની ટાઇલ્સની પ્રોડક્ટ વેચે છે. જેથી દરરોજ મોટી સંખ્યામાં ટાઇલ્સના ટ્રક વિવિધ રાજ્યોમાં ઉપરાંત કંડલા તથા મુંદ્રા બંદરે મોકલવામાં આવે છે. આ સાથે દરરોજ હજારો ટ્રકોમાં રાજસ્થાનથી રો મટીરીયલ પણ મંગાવવામાં આવે છે. આ ટ્રકોની હેરફેરમાં કરોડો રૂપિયાના ડીઝલનો ધુમાડો થાય છે. જો આ ડીઝલનો ઉપયોગ ઓછો કરી દેવામાં આવે તો ટાઇલ્સની કોસ્ટ ઘટી શકે તેમ છે. માટે જ સિરામિક એસોસિએશને ટ્રક ઓન ટ્રેનનું સાહસ ખેડવાનું નક્કી કર્યું છે.

જેના ભાગરૂપે મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને હરેશ બોપલીયાએ આજરોજ અમદાવાદ ખાતે ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લી. ( મીનીસ્ટ્રી ઓફ રેલ્વે, નવી દીલ્હી )ના ડાયરેક્ટર નન્દુરી શ્રીનિવાસ તેમજ અન્ય ઓફીસરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબીથી કંડલા કે મુંદ્રા જતા ટ્રકોને રોરો ફેરી ટ્રેન દ્વારા લઇ જવા તથા રાજસ્થાનથી રો મટિરિયલ ભરીને આવતા ટ્રકોને ટ્રેન મારફત લઈ આવવા તેમજ એક્સપોર્ટ માટે આઇસીડી ચાલુ કરવા બાબતે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

- text

આ બેઠક વિશે સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું કે આવનાર સમયમા આ બધી સર્વિસ ચાલુ થાય તે માટે યોગ્ય ઘટતુ કરવા માટે રેલવેએ ઇચ્છા દર્શાવી છે. રેલવેના અધિકારીઓ મોરબીની ગતિશીલતાથી ખૂબ પ્રભાવિત થયા હતા. ખાસ તો ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર કોર્પોર્શન ઓફ ઇન્ડીયા લી.ના ડિરેકટર નન્દુરી શ્રીનિવાસનો પ્રતિભાવ ખૂબ હકારાત્મક રહ્યો હતો. તેઓએ અધિકારીઓને એક અઠવાડિયામાં રોડમેપ તૈયાર કરવાની સૂચના આપી દીધી છે. જેથી હવે ટ્રક ઓન ટ્રેન સર્વિસ આગામી દિવસોમાં શરૂ થવાના ઉજળા સંકેતો છે. આ સર્વિસના પરિણામે ટાઇલ્સની કોસ્ટમાં ઘટાડો થશે. જેનાથી સિરામિક ઉદ્યોગ વૈશ્વિક માર્કેટમાં ખૂબ સારી રીતે પોતાનું સ્થાન મજબૂતીથી જાળવીને આગળ વધી શકશે.

સિરામિક ઉદ્યોગ માટે દરરોજ 6 હજાર ટ્રકો ખૂબ લાંબા અંતરનો ખેડે છે પ્રવાસ

સિરામિક ઉદ્યોગ માટે દરરોજ 6 હજાર જેટલા ટ્રકો ખૂબ લાંબા અંતરનો પ્રવાસ ખેડે છે. જેમાં દરરોજ અંદાજે 3 હજાર ટ્રકો રાજસ્થાનથી રો મટીરીયલ લઈને આવે છે. જ્યારે એક્સપોર્ટ તથા અન્ય રાજ્યમાં મોકલતો માલ લઈને દરરોજ અંદાજે 3 હજાર જેટલા ટ્રકો મોરબીથી કંડલા તથા મુંદ્રા જાય છે.આમ દરરોજ છ હજાર ટ્રકોનું આવન જાવન થાય છે. જેના કારણે દરરોજ કરોડોના ડિઝલનો ધુમાડો થાય છે.

3 ફેઝમાં ટ્રક ઓન ટ્રેન પ્રોજેકટનું કામ હાથ ધરાશે

ટ્રક ઓન ટ્રેન પ્રોજેકટ માટે રેલવે વિભાગ આગામી એક અઠવાડિયામાં રોડમેપ તૈયાર કરશે. ત્યારબાદ આગળનું મંજૂરીનું કામ હાથ ધરવામાં આવશે. બધી મજૂરી મળી ગયા બાદ ત્રણ ફેઝમાં આ પ્રોજેક્ટનું કામ ચાલવાનું છે. આ પ્રોજેકટ માટે મોરબી, વાંકાનેર અને સામખીયાળીમાં રેલવે ડેપો બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. જેના પ્રત્યે રેલવે વિભાગે હકારાત્મક વલણ પણ દાખવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text