મોરબીમાં ગટર મિશ્રિત દુષિત પાણી વિતરણ પ્રશ્ને મહિલાઓનો પાલિકામાં મોરચો

- text


કુલીનગરમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ : વાવડી રોડની સોસાયટીમાં એક મહિનાથી પાણીના ધાંધિયા મામલે મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના બે અલગ-અલગ વિસ્તારની મહિલાઓએ આજે મોરબી નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો. જેમાં વીસીપરામાં આવેલા કુલીનગરમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતું હોવાની તેમજ વાવડી રોડની સોસાયટીમાં એક મહિનાથી પાણીના ધાંધિયા હોવાથી ભારે હાલાકી પડતી હોવાની મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી હતી. આથી, પાલિકા તંત્રએ આ બન્ને વિસ્તારના પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

મોરબીના વીસીપરામાં આવેલ મદીના સોસાયટી પાસેના કુલીનગર-2 વિસ્તારની મહિલાઓનું ટોળું પાણી પ્રશ્ને આજે નગરપાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયું હતું અને મહિલાઓએ પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમના વિસ્તારમાં આશરે સાડા પાનસો જેટલા મકાનો આવેલા છે. જેમાં છેલ્લા વિસ દિવસથી પીવાના પાણી સાથે ગટરનું દૂષિત પાણી ભળે છે. આથી, પાણી પીવા તો ઠીક વાપરવામાં પણ ઉપયોગમાં લઇ શકાતું નથી. દૂષિત પાણી આવતું હોવાને કારણે આ વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો પણ બળાપો ઠાલવ્યો હતો. સાથેસાથે જ્યાંથી ગટરનું પાણી ભળતું હોય ત્યાં લીકેજની મરમત કરવા અને શુદ્ધ પાણી વિતરણ કરવાની માંગ ઉઠાવી હતી. આથી, પાલિકા પ્રમુખે ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી.

કુલીનગર વિસ્તારના ટોળાની રજુઆત બાદ બીજા વિસ્તારનું ટોળું પણ દોડી ગયું હતું. જેમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિ સોસાયટી પાસેની સ્વાતિ સોસાયટીના રહોશોએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી આવતું નથી. જેથી, સ્થાનિકોને બહારથી વેંચતા પાણી ટેન્કર મંગાવા પડે છે. ભર ઉનાળે પાણીની અછત સ્થાનિક લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આ મામલે પણ તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

- text

- text