વર્ષો બાદ પણ ખેડૂતોને મચ્છુ-3 સિંચાઈ યોજનાનું લટકતું ગાજર

- text


દાયકા જેટલો સમય વીતવા છતાં કેનાલનું કામ પૂર્ણ ન થતા સ્વ.મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું સ્વપ્ન અધૂરું

મોરબી : મચ્છુ-3 યોજનાના ખાતમુહૂર્તને દાયકાથી વધુ સમય વીતવા છતાં કેનાલનું કામ અઘરું રહેતા ખેડૂતોને સિંચાઈ યોજનાનો લાભ લટકતા ગાજર જેવો બન્યો છે જેથી, મચ્છુ-3 સિંચાઈ યોજનાની કેનાલોનું કામ પૂર્ણ કરી સિંચાઈ માટે કેનાલ ચાલુ કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે લે, જીલ્લામાં મચ્છુ-3 સિંચાઇ યોજના સાકાર કરવામાં આવેલ છે. આ યોજના પહેલા દેરાળા – ગુંગણ ગામ પાસે બનાવા માટે સર્વે કરવામાં આવેલ હતો. પરંતુ તે સમયના ધારાસભ્ય પટેલ જીવરાજભાઈ થોભણભાઈ દ્વારા આ યોજના સત્વરે સાકાર થાય તે માટે પ્રયત્નો કરવામાં આવેલ હતા. ત્યારબાદ સરકાર બદલાતા તે સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા આ યોજના સાદુરકા ગામ પાસે કરવા માટે નક્કી કરવામાં આવેલ હતું. અને કેશુભાઈ પટેલ દ્વારા ગુજરાતભરમાં આ એક માત્ર ડેમનું સૌથી પહેલા ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતું. આમ, આ મચ્છુ–૩ યોજના મોરબીને કેશુભાઈ પટેલની ભેટ ગણવામાં આવે છે.

- text

આ મચ્છુ 3 યોજનાના હેડવર્કનું કામ ઘણા વર્ષોથી કમ્પ્લીટ છે. ડેમમાં પાણીનો સંગ્રહ પણ થાય છે. પણ ખાટલે મોટી ખોટ છે કે હજુ કેનાલનું કામ પૂર્ણ થયેલ નથી અને કમાન્ડ વિસ્તારના ગામોના ખેડૂતોને હમણાં પાણી મળશે, હમણાં પાણી મળશે તેવી આશા સેવતા ખેડૂતોની આશા પૂરી થતી નથી અને ગધેડાના મો પાસે ગાજર લટકાવ્યું ઉક્તિ મુજબ ખેડૂતોને અપાયેલ વચન પૂર્ણ ન થવાની સાથે સ્વ.મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું સ્વપ્ન અધૂરું રહી જવા પામેલ છે.

આ યોજનાની કેનાલનું કામ ખુબ જ ધીમી ગતિનું ચાલ્યું છે. અને હજુ પણ ચાલે છે. રાજકીય આગેવાનો દરેક ચુંટણીમાં આ બાબતે લોલીપોપ વચનો આપતા હોય છે. પરંતુ હજુ સુધી આ કેનાલનું કામ પૂર્ણ થયેલ નથી. કોરોનાની મહામારીના વર્ષમાં જયારે અન્ય ઉદ્યોગ-વેપાર-ધંધામાં મંદી છે. ત્યારે જો ગત ઉનાળામાં સિચાઈનો લાભ આ ગામોના ખેડૂતોને મળ્યો હોત તો ખુબ જ લાભદાયક બનત, પરંતુ હજુ સુધી આ બાબતે કઈ થયું હોય તેવું જણાતું નથી.

ઉલ્લેખનીય છે કે, કેનાલના કામોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા આક્ષેપ વચ્ચે કેનાલનું કામ મંજુર થયેલ એલાઈમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. અને તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલ હોવાની પુરેપુરી શક્યતાઓ છે. તે ઉપરાંત, કેનાલના બાંધકામમાં પણ ખુબ જ બેદરકારીપૂર્વક કામ થયેલ છે. અને તેમાં પણ ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગણી કરી કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તેવી રજૂઆતના અંતે માંગ ઉઠાવવામાં આવી છે.

- text