ટંકારા તાલુકામાં એપ્રિલ મહિનામાં કોરોના 504 લોકોને ભરખી ગયો

- text


ટંકારામાં સૌથી વધુ 113 મોત, લજાઇમાં 35, હડમતિયામાં 24, સજનપરમા 20 સહીત ગામે-ગામ સ્મશાનોમાં આગ ઉઠી
નાના રામપર,વાઘગઢ, દેવળીયા અને ખાખરામાં એક પણ મોત નહીં : સરકારી આંકડા મુજબ ટંકારામાં 242 મોત

ટંકારા : કોરોના મહામારીએ સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનામાં હાહાકાર મચાવતા મોરબી જિલ્લામાં કંપારી છૂટી જાય તેવી સ્થિતિ વચ્ચે હોસ્પિટલ અને બેડ પણ ટૂંકા પડ્યા હતા ત્યારે આ એક મહિનામાં ટંકારા તાલુકામાં 504 લોકોએ જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે જો કે સરકારી આંકડા મુજબ એપ્રિલ માસમાં 242 મોત નિપજ્યા છે, સારી બાબત એ છે કે ટંકારા તાલુકાના ચાર ગામોમાં આ મહામારી વચ્ચે એક પણ મૃત્યુ નોંધાયું નથી.

ટંકારા તાલુકામાં કુલ 45 ગામોનો સમાવેશ થાય છે સામાન્ય પરિસ્થિતિમાં સમગ્ર તાલુકામાં દર મહિને 50થી 55 જેટલા મૃત્યુ થતા હતા પરંતુ એપ્રિલ મહિનામાં કોરોના વાયરસની બીજી તીવ્ર લહેરે તરખાટ મચાવતા એક જ માસમાં 242 લોકોના મોત થયા હોવાનું સરકારી આંકડામાં જાહેર કરાયું છે, બીજી તરફ જમીની હકીકત ચકાસવા તમામ 45 ગામના સરપંચ અને જાગૃત નાગરિકો પાસેથી માહિતી મેળવાતા અન્ય શહેરોની હોસ્પિટલમાં દાખલ થયેલા અને ત્યાં જ મોતને ભેટનાર લોકોનો આંકડો સરકારી આંકડામાં સમાવવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ તાલુકામાં કુલ 504 લોકો કોરોનાના ખપ્પરમાં હોમાઈ જતા ગામે-ગામ સ્મશાનમા આગ ઉઠતી રહી હતી.

- text

અમારા ટંકારા તાલુકાના પ્રતિનિધિ જયેશભાઇ ભટાસણાએ તાલુકાના તમામ 45 ગામના અગ્રણીઓ અને સરપંચ પાસેથી મેળવવામાં આવેલી હકીકત મુજબ એપ્રિલ માસમાં ટંકારા તાલુકામાં સૌથી વધુ 113 મોત ટંકારામાં થયા છે, એ જ રીતે જાઇમાં 35, હડમતિયામાં 24, સજનપરમા 20, નેસડા (ખા)15, ધુનડા (ખા)15, લખધીરગઢમાં 18,નાના ખીજડિયામાં 12,મોટા ખીજડિયામાં 13, મિતાણામાં 14, વીરવાવમાં 11, સખપરમા 11, જીવાપરમા 5 અને નેસડામાં 10 સહીત ગામે-ગામ પાંચ-સાત લોકોના મૃત્યુ નિપજતા એપ્રિલ માસમાં સ્મશાનો ધગધગતા રહ્યા હતા.

જો કે ટંકારા તાલુકાના નાના રામપર, વાઘગઢ,દેવળીયા અને ખાખરા ગામમાં કોરોનાના કહેર વચ્ચે પણ એક પણ મોત નહી નીપજ્યું હોવાનું સૂત્રો અને સરકારી આંકડા જણાવી રહ્યા છે.

- text