વિજયભાઈ..નીતિનભાઈ… મોરબીમાં મોતનું તાંડવ અટકાવો : અધિકારી – પદાધિકારી મિટિંગ સિવાય કંઈ ઉકાળી નથી શકતા

- text


72-72 કલાક બાદ પણ બેડ વધારવામાં, ઓક્સિજન પૂરો પાડવામાં અને રેમડેસીવીર ઇન્જેક્શન લાવવામાં તંત્ર નિષ્ફળ 

રાજકોટ માટે સુવિધા થાય તો મોરબી માટે કેમ નહીં લોકોમાં મોટો સવાલ

મોરબીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને કહેવાતા સામાજિક, રાજકીય આગેવાનો ખરા સમયે જ ઘરમાં પુરાઈ બેઠા 

પ્રભારી સચિવનો મુકામ પણ પરિસ્થિતિ યથાવત

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ નગ્ન નાચ શરૂ કરતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્યતંત્રની સાથે ચૂંટાયેલા નેતાઓ પણ વામણા સાબિત થઇ રહ્યા છે ત્યારે છેલ્લા 72 કલાકથી ઉદ્ભવેલી ભયાનક સ્થિતિમાંથી મોરબીને બહાર નીકાળવા હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાથમાં ડોર સાંભળે અને ગાંધીનગરથી કે અન્ય જિલ્લામાંથી તબીબોની ટીમ ઉતારે તો જ વર્તમાન પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી શકાશે અન્યથા પ્રભારી સચિવ સહિતના અધિકારીઓ અને નેતાઓ મિટિંગ યોજવા સિવાય કશું કરી નહીં શકે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે મોરબી જેવી જ કટોકટી ભરી સ્થિતિ રાજકોટની સર્જાતા 24 કલાકમાં તાબડતોબ બધું થઈ શકે તો પછી મોરબીમાં મોતનું તાંડવ કેમ ન અટકી શકે ?

મોરબી જિલ્લામાં માર્ચ માસના અંતિમ ભાગથી કોરોનાએ માથું ઉચક્યું હોવા છતાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે આ ગંભીર બાબતને અત્યંત હળવાશથી લેતા એપ્રિલ માસના પ્રારંભે કોરોના રાક્ષસ રીતસર બૉમ્બ બની ને ફૂટ્યો છે આમ છતાં પણ જાણે કશું બન્યું જ ન હોય તેમ જાડી ચામડીના રાજનેતાની જેમ આરોગ્ય તંત્રે આંકડા છુપાવવાનો ખેલ ચાલુ રાખ્યો અને જિલ્લા વહીવટીતંત્રે તેને સંપૂર્ણ પણે ટેકો જાહેર કરી દેતા છેલ્લા અઠવાડિયામાં કોરોના ટેસ્ટ કીટ ખૂટી પડવી, દર્દીઓ માટે ઓક્સિજન બેડ તો દૂર રહ્યા સાદા બેડ ન મળવા અને છેલ્લે જીવન રક્ષક રેમડેસીવીર ઈન્જેક્શનની કારમી અછત સર્જાવી અને આટલું ઓછું હોય તેમ રોજ એક, બે નહીં આઠ-આઠ, દસ – દસ દર્દીઓના મોત થવા છતાં હજુ મોરબીના અધિકારીઓ અને સાંસદ, ધારાસભ્ય નક્કર કામગીરીને ફળીભૂત કરવાને મીટીંગનો દૌર ચલાવી રહ્યા છે. ખરે ખર આ મોરબીની કમનસીબી નહીં તો શું કહી શકાય ?

ચોંકાવનારી બાબત તો એ છે કે મોરબીના પાડોશી રાજકોટ જિલ્લામાં પણ મોરબી જેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ મુખ્યમંત્રીનું હોમ ટાઉન અને નબળી નહીં પરંતુ સબળી નેતાગીરીને કારણે રાતોરાત રાજકોટ માટે કોવિડ હોસ્પિટલ અને કોરોના કેર સેન્ટર શરૂ થઈ ગયા પરંતુ મોરબીમાં તો પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મુકામ કરીને બેઠા હોવા છતાં ઓક્સિજનના બાટલા પણ નથી મળતા કે નથી ઓક્સિજન બેડની સુવિધા થતી.તંત્રની નાકામિયાબીના કારણે વાંકાનેર હોસ્પિટલમાં ઓક્સિજનની કમીથી એક, બે નહીં પરંતુ ત્રણ કોરોના પોઝિટિવ અને એક સામાન્ય દર્દીનું છેલ્લા 24 કલાકમાં મોત નીપજ્યું છે.

ચૂંટણી સમયે મોરબીને પેરિસ બનાવવાની વાતો કરનાર રાજનેતાઓ મોરબીની સિવિલ હોસ્પિટલ અને ગ્રામ્ય પીએસસી, સીએચસી સેન્ટર અને હળવદ, વાંકાનેર જેવી તાલુકા કક્ષાની હોસ્પિટલ માટે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની અછત દૂર કરવા માટે પ્રજાનો અવાજ ગાંધીનગર સુધી બુલંદ કરી શક્યા નથી અને છેલ્લા અઠવાડિયાથી માત્ર મિટિંગ અને વાયદા-વચન આપવા સિવાય કશું ઉકાળી શક્યા નથી એટલું ઓછું હોય તેવામાં મહેમાન કલાકાર બનીને આવેલા સાંસદ વિનોદ ચાવડા પણ મિટિંગ પત્યા બાદ કોરોના દર્દીઓની સારવાર માટે સવલત વધી કે કેમ તે જાણવાનું વિસરી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે.

- text

અત્યંત ગંભીર બાબત તો એ છે કે પાલિકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થયા બાદ મોરબી જિલ્લામાં બન્ને રાજકીય પાર્ટીના અગેવાનો અને નિવેદનિયાં નેતાઓ પણ જાણે કોરોનાના ડરે કોરન્ટાઇન થઈ ગયા હોય તેવી સ્થિતિમાં પ્રજા ઉપર આવી પડેલા દુઃખના ખરા સમયે જ અદ્રશ્ય બની ગયા છે, આવી જ સ્થિતિ મોરબીના કહેવાતા સામાજિક અને રાજકીય આગેવાનોની છે સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે દાખલ કરવાની જગ્યા નથી અને સ્મશાનમાં વેઇટિંગ છે તેવા સમયે તંત્રનો કાન આમળવા કોઈ આગળ આવતું નથી.

આ સંજોગોમાં મોરબીમાં મોતનું તાંડવ અટકાવવા માટે હવે ગાંધીનગરથી ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ આદેશો કરી ખાસ તબીબી ટીમો મોકલવાની સાથે કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ સહિતની સુવિધા વિકસાવે તો જ મોરબીમાં યમરાજની વિદાય થશે અન્યથા મોરબી હોનારત અને ભૂકંપ જેવી કુદરતી આપદાની જેમ હવે આ માનવ સર્જિત કોરોના આપદા વિનાશ નોતરશે.

- text