91 વર્ષ પૂર્વે 12 માર્ચે પૂજ્ય બાપુએ કરી હતી દાંડીકૂચ

- text


દાંડી સત્યાગ્રહથી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવાની લડતનો પાયો નંખાયો

મોરબી : દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. આજથી 91 વર્ષ પૂર્વે 12 માર્ચથી 6 એપ્રિલ, 1930 દરમિયાન 24 દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધીએ પોતાના 79 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ઐતિહાસિક દાંડીકૂચમાં 79માંથી 32 જેટલા તો ગુજરાતીઓ હતા ને મોટાભાગના યુવાનો તથા વિદ્યાર્થીઓ હતા. 24 દિવસ સુધી પ્રતિદિન 10 માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂર્ણ કરવામાં આવી હતી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. 6 એપ્રિલના રોજ સવારે 6-30 કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો. જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય કાનૂનભંગ આંદોલન શરૂ થયા.ઉલ્લેખનીય છે કે 29 માર્ચ, 1930ના રોજ દાંડીયાત્રા દરમિયાન મહાત્મા ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી હતી કે “હું કાગડા-કુતરાના મોતે મરીશ. પરંતુ સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું.” આ પ્રતિજ્ઞાનું ગાંધીજીએ પાલન કર્યું હતું. અને દેશને અંગ્રેજોની ગુલામમાંથી આઝાદી મળી ત્યાં સુધી અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પરત ફર્યા નહતા.

- text

દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે 25 માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય, તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું.

મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો. મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ 60,000 જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જો કે આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો.

- text