મોરબીમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી

- text


રફાળેશ્વર મંદિરે શોભાયાત્રા, ધ્વજારોહણ : તમામ શિવાલયોમાં દુગ્ધાભિષેક, શણગાર, ધૂન-ભજન આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : ભગવાન ભોળાનાથની આરાધનાના મહાપર્વ સમાન મહાશિવરાત્રીની આજે મોરબીમાં બમ બમ ભોલેના નાદ સાથે ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રફાળેશ્વર મંદિરે શોભાયાત્રા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત, તમામ શિવાલયોમાં દુગ્ધાભિષેક, શણગાર, ધૂન-ભજન આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શિવ ભક્તો એકટાણા ઉપવાસ કરી ભગવાન શિવના દર્શન કરીને કૃતાર્થ થયા હતા.

મોરબીમાં આજે મહાશિવરાત્રી નિમિતે મોટાભાગના શિવ મંદિરોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કાર્યક્રમો રદ કરાયા બાદ શિવરાત્રીની તમામ શિવ મંદિરોમાં સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તમામ શિવ મંદિરોમાં શિવલિંગને દુગ્ધાભિષેક અને બીલીપત્ર ચડાવીને ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. આ ઉપરાંત શિવ મંદિરોમાં બિરાજમાન ભગવાન ભોળાનાથને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં શંકર આશ્રમ નીલકંઠ મહાદેવ મંદિર, શોભેશ્વર મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર સહિતના તમામ શિવલયોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજયો હતો.

તમામ શિવ મંદિરોમાં શિવરાત્રીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સવાર – સાંજની આરતી તેમજ ચાર પહોરની આરતીના આયોજન કરાયા છે.

- text

જ્યારે શંકર આશ્રમ મંદિરમાં સેનેટાઇઝેશન અને ટેમ્પરેચર માપ્યા બાદ જ ભક્તોએ શિવ દર્શન તથા પૂજા અભિષેકનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. રફાળેશ્વર મંદિરે ખોડાભાઈ જગાભાઈ પાસિયાના પરિવાર દ્વારા શિવરાત્રી નિમિતે પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બાદમાં રફાળેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવામાં આવી હતી. એકંદરે આજે શિવરાત્રી નિમિતે ભક્તો શિવમય બની ગયા હતા.

- text