હરબટીયાળી : કુમકુમ ગ્રુપ દ્વારા નારીના વિવિધ રૂપોનું ગઈકાલે પૂજન કરી સન્માન કરવામાં આવ્યું

- text


ટંકારા : 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ સોશિયલ મીડિયામાં નારીને સન્માનને લગતા મેસેજનો ઢગલો જોઈ વિચાર આવે કે જો ખરેખર આવું છે તો આજના સમયમાં એક દીકરીને બહાર નીકળતા આટલો ડર શા માટે? એક કોડભરી કન્યાને દહેજના નામે અગનપછેડી ઓઢવી પડે શા માટે? આટલા વૃદ્ધાશ્રમો શા માટે? આવા ઘણા સવાલો થાય. નારીને માત્ર એક દિવસ સન્માનિત કરવાની ન હોય. નારી તો દરેક રૂપમાં દરેક દિવસે પૂજનીય જ હોય છે. આવો એક મેસેજ સમાજમાં પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી હરબટીયાળી ગામમાં ગીતાબેન દ્વારા સંચાલીત કુમકુમ ગ્રુપની દીકરીઓ અને બહેનો દ્વારા નારીના દરેક રૂપનું પૂજન કરી સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં એ દીકરી કે જેણે હાલમાં જ આ ધરતી ઉપર જન્મ લીધો છે, એક એ દીકરી કે જે શિક્ષણની કેડીએ આગળ વધવા જઇ રહી છે, એક એ દીકરી કે જે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પ્રભુતામાં પગલાં માંડવા જેઇ રહી છે, એક એ દીકરી કે જે લાડકોડ છોડી પુત્રવધુ સ્વરૂપે સાસરે આવી છે. આ ઉપરાંત એક એ નારી કે જેને પોતાના આયખાના 100 વર્ષ પૂર્ણ કરી ઘણા બધા અનુભવોનો નિચોડ લઈ બેઠા છે અને પોતાની નજર સામે પોતાના પપૌત્રને રમતા જોઈ રહયા છે.

આ દરેક નારીના સ્વરૂપને પૂજન કરી સન્માન કરી ખરા અર્થમાં “નારી તું નારાયણી” ની ઉક્તિને સાર્થક કરી હતી. ખાસ નોંધનીય બાબત એ હતી કે, ગઈકાલે એક પિતાના હાથે દીકરીનું સન્માન કરતા અને એક સાસુને હાથે પોતાની પુત્રવધુનું સન્માન કરતા જોઈ સૌ કોઈની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

- text

- text