મોરબી પાલિકા, જિલ્લા – તાલુકા પંચાયતના સુકાનીઓની 14મીએ પસંદગી

- text


જિલ્લા પંચાયત પ્રમુખનો તાજ હળવદ તરફ જાય તેવી શક્યતા 

ત્રણ -ચાર દિવસમાં ભાજપ સંકલનની બેઠકમાં ત્રણ-ત્રણ નામોની કરાશે પસંદગી

મોરબી : મોરબી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતોમાં ભગવો લહેરાયા બાદ હવે પ્રમુખપદનો તાજ કોના શિરે મૂકવો તે નક્કી કરવા ભારતીય જનતા પાર્ટીની જિલ્લાકક્ષાની સંકલન સમિતિની બેઠક ત્રણ – ચાર દિવસમાં મળશે અને આગામી 14મીએ મુખ્યમંત્રી નિવાસે યોજાનારી પાર્લામેન્ટરી બોર્ડમાં નવા સુકાનીઓના નામ ઉપર આખરી મહોર લાગશે. જો કે, તે વચ્ચે મોરબી જિલ્લા પંચાયતનું મોભાદાર પ્રમુખપદ હળવદ પંથકના ફાળે જાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ટોચના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પાંચેય તાલુકા, જિલ્લા પંચાયત અને મોરબી – વાંકાનેર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદા ઉપર કોને બેસાડવા તેની પસંદગીને લઈ તૈયારીનો ધમધમાટ શરૂ થયું છે ને વગદાર જૂથો દ્વારા લોબિંગનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે.

- text

બીજી તરફ નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે મોરબી ભાજપ સંગઠનની સંકલન બેઠક ત્રણ-ચાર દિવસમાં જ યોજાશે. આ સંકલન બેઠકમાં નગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતના નવા સુકાનીઓના ત્રણ-ત્રણ નામની પસંદગી કરવામાં આવશે અને આ યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે.દરમિયાન મોરબી જિલ્લાના નવા હોદેદારોની પસંદગી માટે આગામી તા.14 માર્ચના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને 14મીની રાત્રી સુધીમાં જ તમામ નામ ફાઇનલ થનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે મોરબી જિલ્લા પંચાયતના પ્રથમ અઢી વર્ષ માટે રોટેશન મુજબ ઓબીસી ઉમેદવાર નક્કી કરાયા હોય આ પદ માટે હળવદ પંથકના ઉમેદવાર ઉપર પસંદગીનો કળશ ઢોળાઈ તેવી શક્યતા જોવાઈ રહી છે. એ જ રીતે મોરબી પાલિકા માટે પણ સતવારા સમાજ અથવા પટેલ સમાજ ઉપર પસંદગીનો કળશ ઢોળાઈ તેવા અણસાર મળી રહ્યા છે. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે પણ આહીર સમાજ અથવા કોળી સમાજની પસંદગીના સંકેતો મળી રહ્યા છે.

- text