મોરબી જિલ્લામાં વરિયાળીનું પુષ્કળ વાવેતર

- text


જિલ્લામાં ઘઉં,ચણા અને જીરુંના વાવેતરમાં વર્ષોનો વિક્રમ તૂટશે

લસણ-ડુંગળીના સારા ભાવને કારણે વાવેતર વધ્યું

મોરબી : મોરબી જિલ્લામાં ઓણસાલ મેઘરાજાએ અનહદ પ્રેમ વરસાવતા ખરીફ સીઝનમાં મગફળી,કપાસ સહિતના પાકોમાં ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો અને આ ખરીફ સીઝનનું વટક રવિ સીઝનમાં વાળી લેવા જગતના તાતે કમર કસી હોય તેવા ઘાટ વચ્ચે આ વર્ષે મોરબી જિલ્લામાં ધરતીપુત્રોએ ગતવર્ષની તુલનાએ અઢીગણો વાવેતર વિસ્તાર વધારી દીધો છે. જેમાં મુખ્યત્વે ઘઉં,ચણા જીરું,વરિયાળી સહિતના પાકોનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લામાં માળિયાના કેટલાક ગામડાને બાદ કરતા હળવદ, મોરબી,ટંકારા અને વાંકાનેર તાલુકામાં ખેડૂતોને નર્મદા યોજના તેમજ અન્ય નાની-મોટી સિંચાઈ યોજનાનો લાભ મળી રહ્યો હોવાથી દરવર્ષે રવિ સીઝન દરમિયાન ખેડૂતો ચણા, ઘઉં, ડુંગળી, જીરૂ, ધાણા સહિતના પરંપરાગત પાકોનું વાવેતર કરતા હોય છે. જેમાં ચાલુ વર્ષે વિશેષ મેઘમહેર થવાથી મોટાભાગના જળાશયોમાં વિશાળ જળરાશી જમા હોવાથી ખેડૂતોને રવિ સિઝનનના અંત સુધી પાણી મળવાની આશાએ આ વર્ષે રવિ વાવેતરમાં બમણો નહીં પરંતુ અઢીગણો વધારો થયો છે.

સામાન્યતઃ મોરબી જિલ્લામાં ઘઉં,ચણા,ધાણા અને જીરુંનું પુષ્કળ વાવેતર થયા છે. અને ઉપરોક્ત તમામ વાવેતરમાં હળવદ 41025 હેક્ટરમાં વાવેતર સાથે તાલુકો મોખરે છે અને ત્યાર પછીના ક્રમે મોરબી તાલુકામાં 34540 હેકટર, ટંકારા તાલુકામાં 27520 અને વાંકાનેર તાલુકામાં 15189 હેકટર જમીનમાં રવિ સિઝનનનું વાવેતર થયું છે. સૌથી ઓછા વાવેતર મામલે સિંચાઈ સુવિધાથી વંચિત માળીયા તાલુકો આવે છે. જોકે, આમ છતાં સારા વરસાદને કારણે આ વર્ષે માળીયા તાલુકામાં 9105 હેક્ટરમાં રવિ વાવેતર થયું છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં જ વધારે વાવેતર થાય છે તેવી વરિયાળીનું પણ મોરબી જિલ્લામાં પુષ્કળ વાવેતર થયું છે. ખાસ કરીને હળવદ તાલુકામાં 1480 હેકટર જમીનમાં વરિયાળી લહેરાઈ રહી છે. ઉપરાંત, મોરબી તાલુકામાં 70 અને વાંકાનેર તાલુકામાં 264 હેકટર જમીનમાં વરિયાળીનું વાવેતર થયું છે. આ ઉપરાંત મોરબી જિલ્લમાં શાકભાજી અને ઘાસચારાનું પણ આ વર્ષે વિશાળમાત્રમાં વાવેતર થયું હોવાનું સરકારના ખેતીવાડી વિભાગના આંકડાઓ ઉપરથી સ્પષ્ટ બન્યું છે.

- text

રવિ સિઝનના વાવેતરના આંકડા

જણસ………………… વર્ષ 2020……………….વર્ષ 2021

ઘઉં ………………… 26665 (હેકટર)…………..36040(હેકટર)
ચણા ………………. 5045 (હેકટર)…………..42315(હેકટર)
રાઈ ………………… 690 (હેકટર)………….. 1970(હેકટર)
જીરું ……………….. 14480 (હેકટર)………….. 24830(હેકટર)
ધાણા ……………….. 530 (હેકટર)…………. 2166(હેકટર)
લસણ ………………. 852 (હેકટર)………….. 3247(હેકટર)
સુવા ………………… 210 (હેકટર)………….. 95(હેકટર)
વરિયાળી …………… 1490 (હેકટર)………….. 1814(હેકટર)
ડુંગળી ……………….. 510 (હેકટર)………….. 2805(હેકટર)
શાકભાજી …………… 925 (હેકટર)………….. 1942(હેકટર)
ઘાસચારો ……………. 4825 (હેકટર)…………..10165(હેકટર)

- text