મોરબીમાં કોંગ્રેસની મૌન રેલીને મંજૂરી ન મળતા રદ્દ

- text


સવારથી જ સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગી કાર્યકરો ઉમટ્યા : પોલીસના ધાડેધાડા

મોરબી : મોરબી શહેરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખના ઘર ઉપર ભાજપના ઈશારે સરાજાહેર હુમલો કરવાની ઘટનાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા મૌન રેલી યોજી વિરોધ કરવા નક્કી કરાયું હતું પરંતુ તંત્ર દ્વારા છેલ્લી ઘડી સુધી રેલીને મંજૂરી આપવામાં ન આવતા અંતે આ રેલી રદ્દ કરવામાં આવી હતી.જો કે રેલીના આયોજન અંગેનો સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આજે સવારથી સનાળા રોડ ઉપર સરદાર પટેલની પ્રતિમા નજીક મોટી સંખ્યામાં કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે સવારથી નવા બસસ્ટેન્ડ આસપાસ પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. જોકે, બીજી તરફ તંત્ર દ્વારા રેલીને મંજૂરી આપવાની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું પરંતુ કોંગ્રેસ પ્રમુખે હવે રેલી નહીં યોજાઈ તેવી જાહેરાત કરી હતી.

ગઈકાલે મોરબી તાલુકા સેવાસદન ખાતે કોંગ્રેસના વોર્ડ પ્રમુખ ઉપર ભાજપના ઉમેદવારે હુમલો કર્યાની ઘટના બાદ સાંજના સમયે ભાજપના ઉમેદવારના ભત્રીજા સહિતના આઠ ઈસમોએ ભોગગ્રસ્ત કોંગ્રેસ વોર્ડ પ્રમુખના ઘર ઉપર ઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કરતા વોર્ડ પ્રમુખ અને તેમના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા અને આ ઘટનાના ઘેર પ્રત્યાઘાત વચ્ચે કોંગ્રેસે ગઈકાલે સરદાર પટેલની પ્રતિમાથી લઈ નગર દરવાજા સુધી મૌન રેલી યોજવા જાહેરાત કરી હતી.

બીજી તરફ આજે સવારે 10 વાગ્યે યોજાનાર કોંગ્રેસની મૌન રેલીને સંબંધિત વિભાગો દ્વારા 11.45 કલાક સુધી મંજૂરી આપવામાં ન આવતા અંતે આજે કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ રેલી રદ કરવાની જાહેરાત કરી હતી.તેમને વધુમાં જણાવ્યું હતું કે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અમે સમય વેડફવા માંગતા નથી અને તંત્ર આચાર સંહિતાના નામે રેલી યોજવામાં વિઘ્ન નાખ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો તો તંત્ર દ્વારા રેલીની મંજૂરી માટે પોલીસ અભિપ્રાય સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

- text

મૌન રેલી સ્થળે જીલ્લા ક્રોંગેસ પ્રમપખ લલીતભાઇ કગથરા, કોંગી અગ્રણી જયંતિભાઇ જેરાજભાઇ પટેલ, કે.ડી.પડસુંબીયા, એલ.એમ.કંઝારીયા, મહેશભાઇ રાજયગુરૂ, મહેન્દ્રસિંહ (રંગપર), દેવજીભાઇ પરેચા (ઘુંટું), ટીનાભાઇ લોરીયા, રમેશભાઇ રબારી સહીતના તમામ આગેવાનો અને કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વગર મંજુરીએ પણ રેલી યોજી શકતા હતા પરંતુ અમે કાયદાની મર્યાદામાં રહ્યા હોવાનું અંતમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું.

- text