મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે જોઈ લ્યો : મોદી 

- text


વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી 

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા સંબોધતી વખતે ગુજરાતમાં થઇ રહેલા વિકાસ અને વિકાસની તકો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હું મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહ્યું હતું કે રાજકોટ, મોરબી અને જામનગર એવો ત્રિકોણ છે, જેનામાં મિની જાપાન બનવાની તક છે. ત્યારે લોકો મારી ઠેકડી ઉડાડતા હતા. આજે જોઈ લ્યો.

જામનગરમાં સભા પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબની મુલાકાત કરી હતી. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીને હાલારી પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જામનગર ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં જામ સાહેબ સાથેની મુલાકાત અંગે વાત કરતા કહ્યું કે, બધાને થતું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા. મુખ્યમંત્રી પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહ્યું કે, આ પાઘડી ઉતારાય એવું નથી. હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા માટે ગયો હતો. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા લોકો નાનો મોટો વેપાર કરીને ગુજરાન ચલાવતા હતા. આજે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય બની ગયું, આવનારા વર્ષો વિમાન ગુજરાતમાં બનશે. ઈલે વ્હિકલ ગુજરાતમાં બનશે. સેમિ કન્ડકટર ગુજરાતમાં બનશે. ઈલે. વ્હિકલની ચિપ ગુજરાતમાં બની હશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ બનશે. મારી અપેક્ષા છે ગરમી ગમે તેટલી હોય, કામ ગમે તેટલું હોય પણ આપણા ગુજરાતે આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે મતદાનનો રેકોર્ડ કરવો પડે. આપણા ગુજરાતે અત્યાર સુધીના મતદાનના બધા રેકોર્ડ તોડવા પડે.


ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી

વડાપ્રધાને કહ્યું કે આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થઈ છે. ભૂચરમોરીની યુદ્ધ સ્થળની વાત. ત્યાંના કાર્યક્રમ માટે મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યાં હતા. પછી મને કોઈએ કાનમાં કહ્યું કે, સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો. આતો અમારૂ કર્તવ્ય છે એટલે અમે નિમંત્રણ આપવામાં આવ્યા છીએ. મે કહ્યું કેમ નહીં આવું. તો કહ્યું કે, કોઈ મુખ્યમંત્રી નથી આવ્યાં. અમે બધા મુખ્યમંત્રીને આમંત્રણ આપીને ટ્રાઈ કરી લીધી છે. ત્યા એવી માન્યતા છે કે, જ્યા આટલા બધા પાળીયા હોય. ભૂચરમોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યા કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે,મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખુબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મે વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.


રજવાડાઓના યોગદાનને દેશ ક્યારેય નહીં ભૂલે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતે હાલમાં દેશ માટે જેટલું યોગદાન આપ્યું છે, એટલું જ યોગદાન ભૂતકાળમાં પણ અપાયું છે. જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડના નાગરિકોને અહીં આશરો આપ્યો હતો. આજે પણ જ્યારે પોલેન્ડની પાર્લામેન્ટ શરૂ થાય છે, તો સૌથી પહેલા જામનગરનું અને મહારાજા દિગ્વિજય સિંહજીનું સ્મરણ કરવામાં આવે છે, પછી પાર્લામેન્ટ શરૂ થાય છે. આપણા દેશના રાજા-મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓ અને રાજપાટ આપી દીધા હતા. તેમના યોગદાનને આ દેશ ક્યારે નહીં ભૂલી શકે.


હું દ્વારકા ગયો, તેનાથી પણ કોંગ્રેસના શેહઝાદાને વાંધો !

- text

થોડા સમય પહેલા વિકાસ કામ માટે હું દ્વારકા આવ્યો હતો. દર્શન કર્યા બાદ હું સમુદ્ર નીચે દ્વારિકાના દર્શન માટે ગયો હતો. મેં સમુદ્ર નીચે પૂજન પણ કર્યું હતું. કોંગ્રેસના શેહઝાદાને તેનાથી પણ તકલીફ છે. હું તો હેરાન છું કે, યુપી-બિહારમાં જેઓ પોતાને યદુવંશી કહે છે તેઓ તેમની સાથે બેઠા છે. જેઓ કૃષ્ણની દ્વારકાને નકારી દે છે. તેઓએ કહ્યું સમુદ્રની નીચે પૂજા માટે કંઈ નથી. જેઓને સામાન્ય જ્ઞાન નથી તેઓને શું કહેવું. તેઓની હિંમત છે કે, કોઈ બીજા ધર્મ વિશે આવી વાત કરી દે.


- text