ટંકારા તાલુકાના ચાર શિક્ષકોની કૃતિને રાજ્ય કક્ષાના રમકડાં મેળા માટે પસંદગી

- text


ટંકારા : બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડાં મેળાનું આયોજન થયેલ છે.

જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા યોજાયેલ મોરબી જિલ્લાના રમકડાં મેળામાં પાયાના તબક્કાના વિભાગ (પૂર્વશાળા,ધો-૧ અને ૨, પ્રાથમિક વિભાગ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગના રમકડાં મેળામાં ટંકારા તાલુકાના કુલ ૪ (ચાર) શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિભાગ (પાયાના તબક્કા)માં હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન અને વિરવાવ પ્રાથમિક શાળાના શિક્ષિકા ગોસ્વામી જલ્પાબેન તેમજ પ્રાથમિક વિભાગમાં નેકનામ કન્યા શાળાના શિક્ષિકા પડાયા સુષ્માબેન તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં મિતાણા તાલુકા શાળાના શિક્ષક પટેલ કલ્પેશભાઈ એ ભાગ લીધો હતો. જેમાં ખૂબ સારુ પ્રદર્શન કરીને આ ચારેય શિક્ષકોએ રાજ્યકક્ષાના રમકડા મેળા માટે પસંદગી મેળવી છે.

- text

આ ચારેય શિક્ષકો રાજ્યકક્ષાએ યોજાનાર રમકડાં મેળામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તમામ શિક્ષકોને રાજ્યકક્ષાના રમકડાં મેળા માટે પસંદગી પામવા બદલ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞાબેન અમૃતીયા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, ઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી તેમજ મહામંત્રી વિરમભાઈ દેસાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text