મોરબી ઓટોમોબાઇલ્સ એસો.ના સભ્યો દ્વારા ફાળો એકત્ર કરી રૂ. 41 હજારની ટ્રાફિક જવાનને સહાય

- text


માથાના ઓપરેશન માટે આર્થિક જરૂરિયાત ઉભી થતા મદદ કરાઈ

મોરબી : મોરબી ટ્રાફિક શાખાના જવાનને ઓપરેશન માટે આર્થિક જરૂરિયાત ઉભી થઇ હતી. આ અંગે જાણ થતા મોરબી ઓટો મોબાઇલ્સ એસોસિએશનના સભ્યોએ રૂ. 41 હજાર એકત્ર કરી ટ્રાફિક જવાનને સહાય પહોંચાડી માનવતા મહેકાવી છે.

મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લીંબુડા ગામના વતની અને હાલ મોરબી ટ્રાફિક શાખાના TRB જવાન રાહુલભાઈ રજનીકાંત વ્યાસ (વડોદરિયા)ને અકસ્માત નડતા અગાઉ માથામાં પાંચ ઓપરેશન કરાવવા પડ્યા હતા. હાલમાં તેને છઠ્ઠું ઓપરેશન કરાવવા માટે રૂ. 50,000 જેવી જરૂરિયાત ઉભી થઇ હતી. તેમજ તેમના માતા કેન્સરથી પીડાતા હોવાથી માતાની દવાનો ખર્ચ પણ હોય. આથી, તેમને આર્થિક જરૂરિયાત ઉભી થઇ હતી.

આ અંગે રાહુલભાઈએ મોરબી ઓટો મોબાઇલ્સ એસોસિએશનના પ્રમુખ ત્રિભુવનભાઈ પટેલ અને એડવાઈઝર કેતનભાઈ મહેતાને આર્થિક સહાય કરવા અપીલ કરી હતી. આથી, આ અંગે તેઓએ મોરબી ઓટો મોબાઇલ્સના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરી હતી. આ મેસેજ મળતા એસોસિએશનના મેમ્બર્સે બે દિવસમાં રૂ. 41,000 જેટલો ફાળો એકત્ર કર્યો હતો. અને રૂ. 41,000 રાહુલભાઈને અર્પણ કર્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે રાહુલભાઈના દરેક ઓપરેશન રાજકોટ ખાતે ડો. પ્રકાશ મોઢા દ્વારા થયેલ છે. તેમજ ગઈકાલે તા. 31ના રોજ રાહુલભાઈ રાજકોટ ખાતે ઓપરેશન કરાવવા માટે જવાના હતા. ત્યારે ત્રિભુવનભાઈ પટેલ અને કેતનભાઈ મહેતાએ તેમને ઓપરેશનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. તેમજ ગ્રુપના દરેક સભ્યોનો રાહુલભાઈને આર્થિક મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. આમ, મોરબી ઓટો મોબાઇલ્સ એસોસિએશન દ્વારા માનવ સેવાના કાર્યનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું છે.

- text