મોરબી : સિંચાઈની સુવિધા વિહોણા ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા સીએમને રજુઆત

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા સિંચાઈ પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

મોરબી : ગુજરાતના ઘણા વિસ્તાર કે જે સિંચાઇની સુવિધાથી વંચિત છે. તેવા વિસ્તારના ખેડૂતોની જમીનોને સિંચાઇની સુવિધાઓ આપીને સુસાધ્ય કરવાની માંગ સાથે મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા સિંચાઈ પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.

મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, રાજ્યની બંજર જમીનોને નવ સાધ્ય કરવા માટે સરકાર વિચારી રહી છે. આ યોજના ખેડૂતો માટે જ રહેશે મોટા ઉધોગ ગૃહો માટેની નહિ હોય. ત્યારે ગુજરાતમાં હજુ એવો ઘણો મોટો વિસ્તાર છે કે, જે વિસ્તારના ખેડૂતોની ખેતી ફકત કુદરતી વરસાદ ઉપર જ નિર્ભર છે. આ જમીનો આમ તો સાધ્ય જમીન કહેવાય પરંતુ આ જમીનોની સિંચાઇની સુવિધા મળે તો જ સાચી સાધ્ય જમીન બનશે. સરકાર જ્યારે ખુબ જ સારા વિચારો જો ધરાવતી હોય અને ખરેખર ખેડૂતોનું હિત વિચારતી હોય તો આ વિસ્તારો કે જે વિસ્તારમાં કુદરતી વરસાદ સિવાય સિંચાઇની કોઈ સુવિધા નથી તેવા વિસ્તારોમાં સિંચાઇની સુવિધાઓ ઊભી કરવાની માગણી કરી છે.

- text

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવો ઘણો મોટો એટ્લે કે લાખો હેક્ટર જમીનને હજુ સિંચાઇની કોઈ સુવિધાઓ ઉપલબદ્ધ નથી. મોરબી જિલ્લાના ૫૨ ગામો દ્વારા સિંચાઇની સુવિધા આપવા માટેની માગણીઓ વારંવાર કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર તરફથી હજુ યોગ્ય આદેશો કરવામાં આવેલ નથી. ગત પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી દ્વારા આ બાબતે ચિંતા પણ વ્યક્ત કરવામાં હતી અને આ બાબતે સરકાર વિચારી રહી છે તેવું કહ્યું હતું.આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં હજારોની સંખ્યામાં ચેકડેમો બંધવામાં આવેલ હતા.પરંતુ ભ્રષ્ટચારના ભરડાના કારણે હાલમાં મોટા ભાગના એટલે કે આશરે ૭૦૦૦ સાત હજાર ચેકડેમો તૂટેલી હાલતમાં છે. તેથી, આ ચેકડેમોને રિપેરિંગ કરવાની માગણી કરી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં નર્મદા યોજનાની કેનાલના નેટવર્કનું કામ પણ ઘણું બાકી છે. તે પણ જલ્દી પૂરું કરાવી ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પહોચતું થાય તેવી કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમજ હાલમાં દરેક ગામોમાં તળાવો આવેલ છે. જો આ તળાવોની યોગ્ય મરામત અને સુધારા વધારા કરવામાં આવે તો તેમાં પણ ઘણું પાણી સંગ્રહ કરી શકાય તેમ છે.વચ્ચે આ તળાવોની મરામત બાબતે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું ધ્યાને આવ્યું હતું. તેથી સરકારના કામોમાં આવા તત્વો દ્વારા ભ્રષ્ટાચાર કરીને સારા કામો ના થાય અને તેનો ફાયદો ખેડૂતોને અને લોકોને ના મળે તેવું ન થાય તે બાબતે પણ યોગ્ય કડક વ્યવસ્થા ગોઠવીને આવા કામો કરાવવાની માગણી કરી છે. બંજર જમીનને નવ સાધ્ય કરવાની યોજના લાવી રહ્યા છો ત્યારે આ જમીને કે જેને સિંચાઇની સુવિધા મળવાથી બે કે ત્રણ ઉપજ લઈ શકે અને મોટું ઉત્પાદન થાય તેવા કામોને અગ્રાતા આપવાની માંગણી કરી છે.

- text