ગેરકાયદે રૂપિયા લઈને આધારકાર્ડ કાઢી આપવા માટે યુનિયન બેન્કની કિટનો ઉપયોગ કરાતો’તો

- text


યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને ફાળવાયેલી સિસ્ટમનો ઉપયોગ કરી કાઢી આપવામાં આવતા હતા આધારકાર્ડ : તટસ્થ તપાસ થાય તો ઘણાના તપેલા ચડી જાય એવી વ્યકત થઈ રહી છે સંભાવના

મોરબી: મોરબી અપડેટ દ્વારા ગત સોમવારે તારીખ 14 ડિસેમ્બરના રોજ એક સ્ટિંગ ઓપરેશન કરી રોકડા રૂપિયા લઇ આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આયો હતો. ત્યાર બાદ હરકતમાં આવેલા તંત્રએ તલાટી મંત્રીનો આ અંગે ખુલાસો પૂછી તમામ વિગતો આપવા જણાવાયું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં આધારકાર્ડના કેમ્પમાં ઉપયોગમાં લેવામાં આવેલી કીટ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની હોવાનો ઘટસ્ફોટ થયો છે.

નવા આધારકાર્ડ કાઢી આપવા માટે જ્યારે કોઈ ચાર્જ લેવામાં આવતો ન હોવાની વાત સર્વવિદિત છે ત્યારે મોરબીના ધુનડા ગામે આધારકાર્ડ કાઢી આપવા માટે એક કેમ્પનું જાહેર આયોજન થયું હતું. જેમાં રૂપિયા 350ની રકમ લઈને લોકોને આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હતા. મોરબી અપડેટે આ ગોરખધંધાનું સ્ટિંગ ઓપરેશન કરતા તંત્ર દોડતું થયું હતું અને તપાસના આદેશો છૂટ્યા હતા. ઉક્ત બનાવની પ્રાથમિક તપાસ દરમ્યાન વધુ એક ઘટસ્ફોટ થયો છે. ધુનડા ગામે આધારકાર્ડ કાઢવા માટે જે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ સિસ્ટમ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની હોવાનું સામે આવ્યું છે.

- text

અત્રે એ ઉલ્લેખનીય છે કે જે-તે બેન્કને આધારકાર્ડ કાઢી આપવા માટે જે સિસ્ટમ અને પાસવર્ડ આપવામાં આવે છે એ સિસ્ટમનો ઉપયોગ બેન્કની અંદર જ કરવામાં આવતો હોય છે. ત્યારે આ સિસ્ટમનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારમાં જઈને લોકોને ખંખેરવા માટે કરવામાં આવતો હતો જેમાં કોની મિલી ભગત છે એ તપાસનો વિષય બની ગયો છે. બેન્કને ફાળવાયેલી સિસ્ટમ દ્વારા કાઢવામાં આવતા આધારકાર્ડની સ્લિપમાં પણ આ આધારકાર્ડ બેન્ક મારફત કાઢી આપવામાં આવ્યું છે એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં કોની શેહથી આધારકાર્ડ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ખુલ્લેઆમ કાઢી આપવાની હિંમત કરાઈ એ પણ તપાસ માંગી લેતો મુદ્દો છે.

અત્રે એક બાબત એ પણ નોંધનીય છે કે આ સ્લિપમાં આધારકાર્ડ કાઢી આપવા માટે એક પણ રૂપિયો ચૂકવવો નહીં એવી સ્પષ્ટ સૂચના પણ લખેલી હોય છે. આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા માટે માત્ર 50 રૂપિયા અને બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે 100 રૂપિયાનો કાયદેસર ચાર્જ તંત્ર દ્વારા નક્કી કરાયો હોવા છતાં નિઃશુલ્ક કાઢી આપવાના થતા આધારકાર્ડ માટે 350 રૂપિયા જેવો વસુલાતો ચાર્જ કોના કોના ખિસ્સા ગરમ કરતો હતો એની તટસ્થ તપાસ થાય તો બેંકકર્મીઓ સહીત ઘણા લોકોના તપેલા ચડી જાય એવી શક્યતા વર્તાઈ રહી છે.

- text