ગત ટર્મમાં મોરબી પાલિકામાં માત્ર 16 સભાઓ મળી : 3 તો સત્તા પરિવર્તન માટે હતી

- text


52માંથી ગણ્યા-ગાંઠ્યા સભ્યોએ જ જનતા વતી ઉઠાવ્યો અવાજ

મોરબી : ગત 14મી ડિસેમ્બરના રોજ મોરબી નગરપાલિકાની મુદત પૂર્ણ થઈ જતા હાલ વહીવટદારે પાલિકાની ધુરા સંભાળી લીધી છે. વહીવટી કામગીરી સાથે સાથે દરેક વોર્ડમાં સુવિધાઓ બાબતે વોર્ડવાઇઝ બેઠક યોજી સમસ્યાઓ જાણી રહ્યા છે. પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુદત પૂર્ણ થતાં હાલ નવરાધૂપ થયા છે. પૂર્વ કાઉન્સિલરો પોતાના વોર્ડ વિસ્તારમાં વિકાસ કામો કર્યા હોવાના દાવાઓ કરી રહ્યા છે. અલબત્ત ખરેખર આ પ્રતિનિધિઓ પ્રજાના વિકાસ કામ કરાવવામાં કેટલા સક્રિય હતા તેનું આંકડાકીય વિશ્લેષણ જોતા સમજાય છે કે તેઓના દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે.

કોઈ પણ પાલિકામાં સામાન્ય સભા મળે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના વોર્ડ વિસ્તારમાં કામગીરી બાબતે અધિકારીઓ કે પાલિકા પ્રમુખ અને હોદેદારો પાસે જવાબ માંગતા હોય છે. પ્રજાલક્ષી કામગીરી કરાવવા અધિકારીઓ સાથે તર્ક વિતર્કો કરી પોતાના વિસ્તારની સમસ્યાના નિવારણ માટે લડાયક બનતા હોય છે. જો કે, મોરબી પાલિકામાં ક્યારેય આવા દ્રશ્યો સામે આવ્યા નથી.

સૌથી અગત્યની વાત તો એ છે કે દર ત્રણ મહિને સભાઓ બોલાવવામાં આવે તો પ્રજાના પ્રશ્નો જાણી શકાય અને તેનો નિકાલ થઈ શકે. જોકે મોરબી પાલિકામાં 5 વર્ષ દરમિયાન માત્ર 16 જેટલી સભાઓ જ મળી હતી જેમાં 6 જેટલા બોર્ડ બજેટ મંજુર કરવામાં આવ્યા હતા. આ સિવાય 3થી વધુ સભા પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી સત્તા પરિવર્તન માટે કરવામાં આવી હતી, તો એક સભા માત્ર સુરતમાં આગજનીની ઘટના બાદ ફાયર સુવિધા અપગ્રેડ કરવા બાબતે જ બોલાવી હતી. આ સભાઓ પણ પ્રજા માટે કાર્ય કરતા હોવાના દાવા કરતા પ્રતિનિધિઓ કેટલી વાર સભામાં હાજર રહ્યા અને તેમાં કેટલા પ્રશ્નો પૂછયા તે અંગે આંકડાકીય વિશ્લેષણ તપાસતા પ્રતિનિધિઓને જાણે પ્રજા કામગીરીમાં કોઈ રસ ન હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું.

- text

મોરબી પાલિકામાં બોલાવવામાં આવેલી 16 સામાન્ય સભામાં 52 સભ્યો જો 100 ટકા હાજર રહ્યા હોય તો તેમની હાજરી 832 થવી જોઈતી હતી પણ આ સભામાં કુલ મળી 717 હાજરી રહી હતી. જ્યારે 115 ગેરહાજરી રહી હતી. હાજર રહેલા કાઉન્સિલર પણ જાણે કોરમ પૂરતા હાજર રહ્યા હોય તેમ સામાન્ય સભા દરમિયાન પ્રજાના પ્રશ્નો રજૂ કરવામાં પણ મૌનીબાબા બનીને જ રહી ગયા હતા.

પક્ષ હોય કે વિપક્ષ માત્ર ગણ્યાગાંઠ્યા કાઉન્સિલર અવારનવાર અવાજ ઉઠવતા જોવા મળતા જ્યારે બાકીના સભ્યો મતદાન માટે આંગળી ઉંચી કરી પોતાની પક્ષ પ્રત્યેની ફરજ બજાવતા જોવા મળ્યા હતા. પ્રજાની સમસ્યાઓ સાથે જાણે તેઓને કોઈ નિસબત જ ન હોય તેમ લાગતું હતું. મોરબી પાલિકામાં ગત 5 વર્ષ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ બન્નેને સતાનું સુખ મળ્યું હતું. જોકે આ સુખમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાનું ભુલી ગયા હોય એવું મોરબીની વર્તમાન સ્થિતિ જોતા સ્પષ્ટ થઈ ગયું છે.

કઈ સભામાં કેટલા હાજર રહ્યા?

સભા તા.     હાજર   ગેરહાજર

27-01-16   51       01
14-03-16   49       03
02-07-16   48       04
26-07-16   51       01
27-03-17   49       03
27-05-17   34       18
31-05-17   52       00
21-07-17   42       10
01-03-18   41       11
09-03-18   48       04
28-03-18   50       02
31-03-19   46       06
09-07-19   44       08
19-12-19   37       15
27-08-20   36       16
14-09-20   39       13

- text