વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કના ખાતમહુર્ત માટે વડાપ્રધાન મોદી ૧પમી ડિસેમ્બરે કચ્છ આવશે

- text


૩૦ હજાર મેગાવોટના વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના માંડવી સ્થિત ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપી જાણકારી

મોરબી : વિશ્વમાં ઉર્જાના સ્રોતો ખતમ થઈ રહ્યા છે. કોલસો અને અણુંમથક આધારિત વીજળી પ્રદુષણ સહિતની સમસ્યાઓ પેદા કરે છે. પવનચક્કી અને જળ આધારિત વિદ્યુતની અમુક સ્થળ અંગેની મર્યાદાઓ છે. ત્યારે વિશ્વમાં રિન્યુએબલ વીજળી ઉત્પાદન એક આશાના કિરણ સમાન દર્શાઈ રહ્યું છે. એવા સંજોગોમાં ગુજરાતના કચ્છમાં વિશ્વનું સૌથી મોટું રીન્યુએબલ વીજ પાર્કનું ખાતમહુર્ત કરવા વડાપ્રધાન મોદી ચાલુ માસની મધ્યમાં કચ્છ આવી રહ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છમાં ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમૂર્હત આગામી તારીખ ૧પ ડિસેમ્બરે કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાત આવશે.

- text

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આ વિગતો આપતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, કચ્છના બોર્ડર વિસ્તાર રણમાં સોલાર અને વીન્ડ એનર્જી માટેનો આ વિશાળ એનર્જી પાર્ક આકાર પામવાનો છે. પ્રધાનમંત્રી આ પાર્કના ખાતમૂર્હત ઉપરાંત માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન પીએમ કરશે. વિજયભાઇ રૂપાણીએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ડિસેલીનેશન પ્લાન્ટ ખેડૂતો, નાગરિકોને પીવાના પાણી અને ઊદ્યોગો માટે ઉપયોગી થશે. દહેજમાં હાલ આવો એક ડિસેલીનેશન પ્લાન્ટ ઊદ્યોગોની પાણીની જરૂરિયાત માટે કાર્યરત છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસના નવા પ્રકલ્પો-સોપાનો આપણે વડાપ્રધાનના હસ્તે શરૂ કરતા જઇએ છીયે. તેમાં સી-પ્લેન, રો-પેક્ષ ફેરી સર્વિસીસ, કેવડીયા ખાતે અનેક નવા પ્રોજેકટસ તેમજ ગિરનાર રોપ-વે અને કિસાન સૂર્યોદય યોજના કાર્યરત થયા બાદ ગુજરાતમાં હવે વધુ બે નવા પ્રોજેકટસનું ભૂમિપૂજન પ્રધાનમંત્રીના કરકમલથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- text