મોરબીના હેરિટેજ વોકમાં લાંબા સમયથી બંધ લાઈટો દિવાળી નિમિતે ઝગમગી ઉઠી

- text


પાલિકા દ્વારા અંદાજે સાડા ત્રણ લાખના ખર્ચે 235 જેટલી નવી સુરક્ષિત એલઈડી લાઈટો નંખાઈ

મોરબી : દિવાળીના દિવસે રોશનીનો સર્વત્ર ઝગમગાટ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના હેરિટેજ વોક ગણાતા માર્ગ ઉપર લાંબા સમયથી બંધ રહેલી લાઈટો પણ ઝગમગી ઉઠી છે. જેમાં પાલિકા દ્વારા અંદાજે સાડા ત્રણ લાખના ખર્ચે 235 જેટલી નવી સુરક્ષિત એલઈડી લાઈટો નાખવામાં આવી છે.

મોરબીના હેરિટેજ વોક ગણાતા નગરપાલિકા કચેરીએથી શાક માર્કેટ સુધી અને મણિમંદિરના ખૂણેથી વીસી હાઇસ્કુલ સામે ન્યાયાધીશના નિવાસસ્થાન સુધી તેમજ સામે પુલથી વીસી ફાટક સુધીના વિસ્તારમાં રોડ ઉપર પાલિકા દ્વારા વર્ષો પહેલા ખાસ પ્રકારની લાઈટો નાખવામાં આવી હતી.પણ કોઈ ટીખળખોરો દ્વારા આ લાઈટની ચોરી કે તોડફોડ કરાતા હોવાથી વારંવાર લાઈટો નાખવા છતાં બંધ હાલતમાં જ રહેતી હતી. આ લાઈટો લાંબા સમયથી બંધ હતી. આથી પાલિકા તંત્રએ ખાસ તકેદારી રાખી લાઈટોમાં તોડફોડ ન થઈ શકે તે માટે ખાસ સુરક્ષિત લાઈટો નાખી છે. જેમાં પાલિકા તંત્ર દ્વારા સાડા ત્રણ લાખના ખર્ચે 235 જેટલી ફાયબરની એલઇડી લાઈટો આ હેરિટેજ વોકના તમામ વિસ્તારમાં નાખવામાં આવી છે અને પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાના હસ્તે આ લાઈટો ચાલુ કરાતા આખો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

- text

- text