ઈલેક્શન અપડેટ : મોરબીમાં પેટા ચૂંટણીના કર્મીઓ માટે 2 દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ

- text


કોરોના મહામારીમાં દરમિયાન સાવચેતીના પગલાં તેમજ બુથ પરની જરૂરી ગાઇડલાઈનની તાલીમ અપાઈ

મોરબી : મોરબીમાં હાલ પેટા ચૂંટણી જાહેર થવાની સાથે જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી ગયું છે. પેટા ચૂંટણીમાં અલગ-અલગ કામગીરી અને તેની દેખરેખ માટે નોડલ ઓફિસરની નિમણુંક બાદ ચૂંટણી કામગીરીમાં સીધા જોડાયેલ કર્મીઓની યાદી તૈયાર કરી આ કર્મીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

મોરબી પાલિકા કચેરી ખાતે ટાઉન હોલમાં આ કર્મચારીઓને મતદાનના દિવસ માટેની માહિતી તેમજ મત ગણતરીની માહિતી અને મતદાન માટેના સાધનો જેવા કે ઇવીએમ, વિવિપેટ, કન્ટ્રોલ યુનિટ સહિતના સાધનોની જાણકારી તેમજ તેઓની જવાબદારી અંગે બે દિવસીય તાલીમ શિબિરનો આજથી પ્રારંભ થયો હતો.

આ શિબિરના પ્રથમ દિવસે પ્રીસાઇડીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં મુખ્યત્વે કોરોના મહામારીને કારણે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાઈન અંગે માહિતી અપાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેમજ કર્મીઓ અને મતદારો કોરોનાના સંક્રમણનો ભોગ ન બને તે માટે જરૂરી પગલાં લેવા અંગે માહિતગાર કર્યા છે. પ્રથમ દિવસે 515 કર્મચારી,અધિકારીઓને તાલીમ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, મતદાન શરૃ થવાના એક કલાક પહેલાં મોક પોલ, મતદાન સમયની કામગીરી, બપોરના સમયે 3 વાગ્યા પછી દરેક પક્ષના પોલિંગ એજન્ટને આવન જાવન ન કરવા દેવી, અંતિમ કલાકમાં કોરોના દર્દીઓ મતદાન કરે ત્યારે સ્ટાફને પી.પી.ઇ કીટ આપવા સહિતની માહિતી આપવામાં આવી હતી. આવતી કાલે ચૂંટણી કામમાં જોડાયેલ અન્ય કર્મીઓને તાલીમ આપવામાં આવશે. આજની આ તાલીમ શિબિરમાં અધિક કલેક્ટર કેતન જોશી, ડેપ્યુટી કલેક્ટર ડી. એ. ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારી ડી. જે. જાડેજા, મામલતદાર, ડે. મામલતદાર તેમજ અલગ-અલગ વિભાગના શાખા અધિકારીઓ હાજર રહી જરૂરી સુચનો આપ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text