ગુંડાધારા એક્ટની કડક અમલવારી કરાવો : દલિત-મુસ્લિમ એકતા સમિતિનું કલેકટરને આવેદન

- text


મોરબી : તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં કાયદો કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગુંડાધારા કાયદાને અમલમાં મૂક્યો હતો. આ કાયદા અંતર્ગત વિવિધ ગુનાઓ માટે પાસ સહિતની કડક જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે ‘દલિત મુસ્લિમ એકતા સમિતિ’ મોરબી દ્વારા આ કાયદાની પારદર્શી અમ્લવારીને લઈને મોરબી જિલ્લા કલેકટરને એક આવેદન આપવામાં આવ્યું છે.

તાજેતરમાં ગુજરાતમાં લાગુ થયેલા ગુંડાધારા એક્ટ મુજબ જમીન માફિયાઓ, મહિલાઓની છેડતી કરનારાઓ, દારુનો ધંધો કરનારાઓ તેમજ જુગારની હાટડીઓ ચલાવનારા તત્વો સામે કડક હાથે કામ લઇ શકાય તે માટે ગુંડાધારા એક્ટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવી છે ત્યારે મોરબી દલિત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આ કાયદાને લઈને જિલ્લા કલેકટર મોરબીને રજૂઆત કરવામાં આવી હતી.

દલિત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં દારૂ-જુગાર, આત્મહત્યા, દુષ્કર્મ, ગેરકાયદે હથિયારના ખરીદ-વેંચાણ જેવી પ્રવૃત્તિઓ ફૂલેફાલી છે ત્યારે આ કાયદો લોકોના હિતમાં હોવાનું ફલિત થાય છે. આમ છતાં આ કાયદામાં રહેલી જોગવાઈઓને લઈને વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેમ કે, પોલીસ, પોલિટિશિયન અને અસામાજિક તત્ત્વોની સાંઠગાંઠને લઈને લોકોમાં અનેક સવાલો છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના અને જુગારના હાટડા ચાલી રહ્યા છે. ગેરકાયદે હથિયારો વારંવાર પકડાય છે. મહિલાઓ પર દુષ્કર્મના બનતા બનાવો શર્મનાક છે. સામાન્ય માનવી ભય અનુભવી રહ્યો છે, ત્યારે આ કાયદાની પારદર્શક અમલવારી જરૂરી બની જાય છે.

- text

ખાસ કરીને હાલ ચાલી રહેલી કોરોના મહામારીને લઈને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી વિવિધ ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આ ગાઈડલાઇન્સના જાહેરનામાની અમલવારી સામાન્ય નાગરિકો પર જ લાગુ પડતી હોવાનું રાજકીય મેળાવડાઓ અને રેલીઓ જોતા સ્પષ્ટ વર્તાય આવે છે. સામાન્ય માણસને જે નિયમો લાગુ પડતા હોય એવા જ નિયમો પોલીસ તંત્રને પણ લાગુ પડતા હોવા છતાં તેઓને નિયમ ભંગ કરતા કોઈ અટકાવતું નથી. જ્ઞાતિ-જાતિ પ્રત્યે પોલીસની ભૂમિકા પણ ભેદભાવયુક્ત હોવાના આક્ષેપો થતા રહે છે. ત્યારે માનવ સમાજ સંગઠિત બની રહે એ માટે ગુંડાધારા કાયદાનો પારદર્શિતા પૂર્વક અમલ થાય એ જરૂરી હોવાનું દલિત મુસ્લિમ એકતા સમિતિ મોરબી દ્વારા કલેકટરને કરેલી રજૂઆતના અંતમાં જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text