ટંકારાના બંગાવડી નજીક કારની હડફેટે બાઇક ચાલકનું મોત

ટંકારા : ટંકારાના બંગાવડી ગામ નજીક કારની હડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ કાર ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના બંગાવડી ગામના અમૃતભાઇ પટેલ ગઈકાલે તા.૩૦ ના રોજ સવારના સવા આઠેક વાગ્યાના સુમારે બંગાવડી પાટીયા તરફ જવાના રસ્તે જગદીશભાઇ મોહનભાઇ દેત્રોજાની વાડીની સામે પોતાનું હોન્ડા મોટર સાયકલ નંબર જી.જે-૦૩ એચ.એન.-૩૦૧૭ લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્વીફ્ટ કાર નંબર જી.જે.૩૬ બી-૧૭૪૫ ના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવીને બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક અમૃતભાઇને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ રાજેશભાઇ ભાણજીભાઇ દેત્રોજાએ કાર ચાલક સામે ફરિયાદ.નોંધાવતા ટંકારા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.